અમરાવતીઃ એક ચોંકાવનારી ઘટનામાં આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના કુરિચેડુ મંડલના હેડક્વાર્ટર્સમાં આલ્કોહોલ યુક્ત સેનિટાઇઝર પીવાને કારણે 10 જણના મોત થયાં છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કોવિડ-19ને લીધે લાગુ થયેલા લોકડાઉનને કારણે દારૂ ન મળતાં આ લોકોએ સેનિટાઇઝર પી લીધું હતું. પોલીસે કહ્યું હતું કે ગુરુવારે ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 7 જણનાં મોત આજે થયા છે.
આદતથી મજબૂર દારૂડિયા
છેલ્લા 10 દિવસોથી લોકડાઉનને કારણે શહેર અને આસપાસનાં ગામડાંઓમાં દારૂની દુકાનો બંધ હતી, એટલે આદતથી મજબૂર પીનારા લોકો (દારૂડિયાઓએ)એ હાથ સફાઈમાં ઉપયોગમાં આવનાર સેનિટાઇઝર પીવાનું શરૂ કર્યું હતું.
મૃતકોમાં ત્રણ ભિખારી પણ સામેલ
આ મૃતકોમાં ત્રણ ભિખારી પણ સામેલ હતા. એમાંથી બે જણ એક સ્થાનિક મંદિરમાં ભીખ માગતા હતા. ગુરુવારે રાત્રે તેમણે તેમના પેટમાં ગંભીર બળતરાની ફરિયાદ કરી હતી. જ્યારે એક વ્યક્તિનું તત્કાળ મોત થયું હતું. જ્યારે અન્ય એકનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું.
દારૂમાં સેનિટાઇઝરનું મિશ્રણ
અન્ય એક 28 વર્ષીય યુવાને દેશી દારૂ તો પીધો જ હતો, પણ તેણે આ દારૂમાં સેનિટાઇઝરનું મિશ્રણ કર્યું હતું. તે પણ તેના ઘરે બેહોશ થયો હતો. તેનું હોસ્પિટલમાં લઈ જવા દરમ્યાન મોત થયું હતું.
શુક્રવારે પ્રારંભના કલાકોમાં બાકીના છ જણને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તે બધા પણ મૃત્યુ પામ્યા હતા. પોલીસ એ જાણવાના પ્રયાસો કરી રહી છે કે શું વધુ લોકોને આ પ્રકારની ફરિયાદો પછી હોસ્પિટલમાં લાવવામાં આવી છે કે કેમ?
ઘટનાની તપાસના આદેશ
પોલીસ સુપરિટેન્ડેન્ટ સિદ્ધાર્થ કૌશલએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે સેનિટાઇઝરને એ વિસ્તારની દુકાનોમાંથી જપ્ત કરવામાં આવ્યાં છે અને રાસાયણિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યાં છે.
પોલીસ એ પ્રયાસ કરી રહી છે કે આ પીડીતોએ માત્ર સેનિટાઇઝરનો જ પીવા તરીકે ઉપયોગ કર્યો હતો કે એની સાથે અન્ય રસાયણો મેળવ્યાં હતાં કે કેમ?