ચેન્નઈઃ તામિલનાડુના કુલ્લાકુરિચી જિલ્લામાં ગેરકાયદે દારૂ પીવાથી 34 લોકોનાં મોત થયાં અને આ ઘટનામાં 70થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. AIADMKએ CM સ્ટાલિનના રાજીનામાની માગ કરી છે. જિલ્લા કલેક્ટર MS પ્રશાંતે 19 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.
આ ઝેરી દારૂ પીવાની દુર્ઘટનામાં કુલ 107 લોકોને કલ્લાકુરિચી સરકારી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 59 લોકોને સેલમ, વિલ્લુપુરમ અને પુડુચેરી જેવાં અન્ય સ્થાનોની હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી છે.રાજ્યના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. રાજ્યની CID આ મામલે તપાસ કરશે. મુખ્ય મંત્રીએ લોકોનાં મોત પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સમાજને બરબાદ કરતા આવા ગુનાઓ સામે સખતાઈથી ડામવામાં આવશે. તેમણે આ કેસ માટે નિષ્ણાતોની સમિતિની રચના કરી હતી. મુખ્ય મંત્રીએ મૃતકના પરિવારને રૂ. 10 લાખ આપવાની અને સારવાર હેઠળના લોકો માટે રૂ. 50,000ની જાહેરાત કરી છે.
તેમણે X પર પોસ્ટમાં કહ્યું હતું કે કલ્લાકુરિચીમાં ભેળસેળયુક્ત દારૂ પીવાથી લોકોના મોતના સમાચાર સાંભળ્યા બાદ મને આઘાત લાગ્યો છે અને દુઃખ થયું છે.
તામિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે મને એ જાણીને ખૂબ જ દુઃખ થયું છે કે કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ઘણા લોકોની હાલત ગંભીર છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હ્રદયપૂર્વકની સંવેદના અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું.
વિપક્ષોએ સાધ્યું નિશાન
તામિલનાડુની સ્ટાલિન સરકાર પર વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષના નેતા ઈદાપ્પડી પલાનીસ્વામીએ કહ્યું હતું કે જ્યારથી DMK સરકાર સત્તામાં આવી છે ત્યારથી ગેરકાયદે દારૂને લોકોનાં કારણે મોત થઈ રહ્યાં છે. તેમણે કહ્યું મુખ્ય મંત્રીનું રાજીનામું પણ માગ્યું હતું.