નવી દિલ્હીઃ ભારત સામે ચીને એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ભરતાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)માં ઔપચારિક ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ ભારત દ્વારા સોલર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) સેક્ટર માટે અમલમાં મૂકવામાં આવેલી સપોર્ટ નીતિઓને લઈને કરવામાં આવી છે. ચીનનો આરોપ છે કે ભારતની આ નીતિઓ ચીની ઉત્પાદનો સાથે ભેદભાવ કરે છે.
ચીનનો આરોપ
ચીનનું કહેવું છે કે ભારત કેટલાંક ટેકનિકલ ઉત્પાદનો પર ટેરિફ (આયાત શુલ્ક) બાબતે એવો વ્યવહાર કરી રહ્યું છે, જે WTOના નિયમોને અનુરૂપ નથી. એ ઉપરાંત ભારત દ્વારા ઘરેલુ ઉત્પાદનોના ઉપયોગને આયાતીત માલની સરખામણીમાં પ્રાધાન્ય આપતી શરતો પણ ચીની ઉત્પાદનો સામે ભેદભાવપૂર્ણ છે. ચીન આ બંને સેક્ટરમાં મોટો નિકાસકાર છે.
WTOને મોકલાયેલા સત્તાવાર સંદેશ અનુસાર ચીને WTOની વિવાદ નિવારણ પ્રક્રિયા હેઠળ ભારત સાથે પરામર્શ કરવાની માગ કરી છે. ચીનનો દાવો છે કે ભારતની આ સપોર્ટ નીતિઓ જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ (GATT) 1994, સબસિડી એન્ડ કાઉન્ટરવેલિંગ મેજર્સ એગ્રીમેન્ટ અને ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર્સ એગ્રીમેન્ટના નિયમોનું ઉલ્લંઘન કરે છે.
WTO પાસે પેનલ રચવાની માગ કરી શકે છે ચીન
ચીને ખાસ કરીને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળના નેશનલ પ્રોગ્રામ ઓન હાઈ એફિશિયન્સી સોલર પીવી મોડ્યુલ્સ માટે નક્કી કરાયેલી શરતો પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેનું કહેવું છે કે સોલર મોડ્યુલ કાર્યક્રમ હેઠળ આપવામાં આવતાં ઇન્સેન્ટિવ્સ અનેક શરતો પર આધારિત છે, જેમાં ન્યુનતમ લોકલ વેલ્યુ એડિશનની ફરજિયાત શરત પણ સામેલ છે. ભારતે આ પગલાં ઘરેલુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે અપનાવ્યા છે.
WTOના નિયમો હેઠળ પરામર્શની માગ કરવી વિવાદ નિવારણ પ્રક્રિયાનું પહેલું પગલું હોય છે. જો ભારત સાથેની ચર્ચાઓથી કોઈ ઉકેલ ન નીકળે, તો ચીન આ મામલે WTO પાસે પેનલ રચવાની માગ કરી શકે છે. ચીન ભારતનો બીજો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતની ચીનને નિકાસ 14.5 ટકા ઘટીને 14.25 અબજ ડોલર રહી છે, જ્યારે આયાત 11.52 ટકા વધીને 113.45 અબજ ડોલર પહોંચી ગયું. 2024-25 દરમિયાન ભારતનો ચીન સાથેની વેપાર ખાધ વધીને 99.2 અબજ ડોલર થઈ છે.






