ભોપાલઃ મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આ વખતે ચોંકાવનારાં રહ્યાં છે. ભાજપને 163 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 66 સીટો જ જીતી શકી છે. મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભ્યોમાંથી 205 વિધાનસભ્યો કરોડપતિ છે. એ આંકડો વર્ષ 2018ની તુલનાએ આઠ ટકા વધ્યો છે. ત્યારે 81 ટકા એટલે કે 187 વિધાનસભ્યો કરોડપતિ હતા,એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો રિપોર્ટ કહે છે.
રાજ્યમાં કરોડપતિ વિધાનસભ્યોમાંથી 144 વિધાનસભ્યો ભાજપ અને 61 વિધાનસભ્યો કોંગ્રેસના છે. જીતેલા બધા 230 વિધાનસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 11.77 કરોડ છે. વર્ષ 2018માં વિધાનસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 10.17 કરોડ હતી. જોકે વાર્ષિક આવક મામલામાં ભાજપના વિધાનસભ્ય સંજય પાઠક આગળ છે.
જો સૌથી શ્રીમંત વિધાનસભ્યની વાત કરીએ તો રતલામ સિટીથી ચૂંટાયેલા ભાજપના વિધાનસભ્ય ચેતન્ય કશ્યપ સૌથી શ્રીમંત છે. તેમની કુલ સંપત્તિ રૂ. 296 કરોડથી વધુ છે. બીજા ક્રમે ભાજપના જ સંજય સત્યેન્દ્ર પાઠક છે. સંજય કટની જય રાઘવગઢ સીટથી વિધાનસભ્ય છે. તેમની કુલ સંપત્તિ રૂ. 242 કરોડ છે. સંજય પાઠક વર્ષ 2018માં જીતનારા રાજ્યના સૌથી શ્રીમંત વિધાનસભ્ય હતા. ત્રીજા ક્રમાંકે કોંગ્રેસના પ્રદેશ અધ્ય કમલનાથ છે, જેમની કુલ સંપત્તિ રૂ. 134 કરોડ છે.
સૌથી ઓછી સંપત્તિવાળા ત્રણ વિધાનસભ્યો છે, જેમાં ભારત આદિવાસી પાર્ટીના એકમાત્ર વિધાનસભ્ય કમલેશ્વર ડોડિયાર છે, જેની કુલ સંપત્તિ રૂ. 18 લાખ છે. બીજા ક્રમે ભાજપના સંતોષ વરકડે છે, જેમની કુલ સંપત્તિ આશરે રૂ. 25 લાખ છે અને ત્રીજા ક્રમાંકે ભાજપનાં કંચન મુકેશ તન્વે છે, જેમની કુલ સંપત્તિ રૂ. 26 લાખ છે.