સુલક્ષણા પંડિતઃ એક અધૂરી આત્મકથા…

ઓગણીસસો સિત્તેરનો દાયકો. કાચી ઉંમર. નવસારીમાં સમર વેકેશન. કઝિન્સ સાથે ટોળટપ્પાં અને ‘લક્ષ્મી’ ટોકીઝ પાસે લારી પરથી શિંગચણા લઈને અંદર પ્રવેશ. ફિલ્મ હતીઃ ‘ઉલઝન’. સંજીવકુમાર-સુલક્ષણા પંડિત-અશોકકુમાર-ફરીદા જલાલ, વગેરેને ચમકાવતી, રઘુનાથ ઝાલાની દિગ્દર્શત ફિલ્મ. પ્રતિષ્ઠિત ઘરમાં પરણીને આવેલી કરુણા પોતાની નણંદ (ફરીદા જલાલ)ને લફરાબાજ-બ્લેકમેલર પ્રેમી (રણજિત)ની ચુંગાલમાંથી બહાર કાઢવા જતાં મોટી મુસીબતમાં મુકાઈ જાય છે. પતિ (સંજીવકુમાર) બાહોશ વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર છે, સસરા (અશોકકુમાર) પણ પીઢ વકીલ. પત્નીને કડક સજા અપાવવા મથતો પતિ, પુત્રવધૂને નિર્દોષ સાબિત કરવા પીઢ વકીલના પ્રયાસ, કોર્ટરૂમ ડ્રામા, કલ્યાણજી-આણંદજીનું મસ્ત સંગીત…

ગુરુવારે (6 નવેમ્બરે) સમાચાર વાંચ્યા કે 1970ના દાયકામાં ગાયિકા-અભિનેત્રી તરીકે ખ્યાતિ મેળવનાર 71 વર્ષી સુલક્ષણા પંડિતનું મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં હાર્ટ અટેકથી અવસાન. અચાનક, કિશોરાવસ્થાની સ્મૃતિઓ પાનખરનાં પાંદડાંની જેમ અંદરથી ખરવા લાગી.

રાયગઢના સંગીતપરિવારમાં જન્મેલાં સુલક્ષણા પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પ્રભાકર પંડિતનાં પુત્રી. કાકા એટલે પંડિત જસરાજ. આમ સુલક્ષણાને સંગીત ગળથૂથીમાં મળ્યું. માત્ર 13 વર્ષની વયે લતા મંગેશકર સાથે એક ગીત (‘સાત સમુંદર પાર સે’, તકદીર, 1967) ગાઈને ધ્યાન ખેંચ્યું. બીજું યાદગાર ગીત એટલે કિશોરકુમાર સાથે ‘બેકરાર દિલ… તૂ ગાયે જા’ (દૂર કા રાહી). સિત્તેરના દાયકાના મધ્યમાં, ઉલઝનના ડિરેક્ટર રઘુનાથ ઝાલાનીએ એમને હીરોઈન તરીકે લીધી અને શરૂ થયો એમનો અભિનયપ્રવાસ. એ પછી સુલક્ષણા હિન્દી સિનેમામાં અગ્રણી ગાયિકા-સ્ટાર બની ગયાં. આ સમયગાળા દરમિયાન ટોચના હીરો સાથે એમની ફિલ્મો આવીઃ સંજીવકુમાર (ઉલઝન, વક્ત કી દીવાર), રિશી કપૂર (‘રાજા’), જિતેન્દ્ર (‘સંકોચ’, ‘અપનાપન’, ‘ધરમ કાંટા’), રાજેશ ખન્ના (‘બંડલબાજ’), વિનોદ ખન્ના (‘હેરાફેરી’), શશી કપૂર (‘ફાંસી’), સાથે જોડી જમાવેલી. પ્રખ્યાત નવલકથાકાર સરતચંદ્રની નવલકથા ‘પરિણીતા’ પર આધારિત ‘સંકોચ’ની એમની ભૂમિકાને ભરપૂર પ્રશંસા મળી હતી. આ ફિલ્મમાં એમની પર ચિત્રિત થયેલું, એમણે ગાયેલું ગીત ‘બાંધી રે કાહે પ્રીત’ સાંભળો. એમના સ્વરના માધ્યમથી પીડા, વિલાપ, એકલતા આબાદ વ્યક્ત થાય છે.

સુલક્ષણા પંડિત-અભિનિત અમુક ફિલ્મોમાં, બે’એક ગીતો ગાયાં, પરંતુ પ્રસ્થાપિત સિંગર્સના પ્રભુત્વવાળા ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવી સહેલી નહોતી. જો કે, સુલક્ષણાએ ‘સંકલ્પ’ ફિલ્મમાં ખૈય્યામના સ્વરાંકનવાળા ગીત ‘તૂ હી સાગર હૈ તૂ હી કિનારા, ઢૂંઢતા હૈ તૂ કિસકા કિનારા’ ગાઈને મારા જેવા કાનસેનોને સ્તબ્ધ કરી મૂકેલા. સ્વરનું સાહજિક માધુર્ય દર્શાવતી આ રચના સાંભળીને આંખો આજે પણ ઉદાસ થઈ જાય છે. આ ગીત માટે એમને બેસ્ટ સિંગર (ફિમેલ)નો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. તે પછી ઓછા જાણીતા સંગીતકાર કનુ રોયની ઉત્તમ રચના ‘ખાલી પ્યાલા ઉજલા દર્પણ’ (‘સ્પર્શ’), એમનાં કેટલાંક અન્ય ક્લાસિક ગીતોમાંનું એક.

સુલક્ષણાનો અવાજ બહુમુખી પ્રતિભા ધરાવતો. યાદ કરો આ રોમાન્ટિક ગીતોઃ ‘ચલતે ચલતે’નું ભપ્પી લાહિરી સ્વરાંકિત ‘જાના કહાં હૈ’, ‘થોડી સી બેવફાઈ’નું ખૈય્યામ સ્વરાંકિત (સહગાયક અનવર) ‘મૌસમ મૌસમ… લવલી મૌસમ’, ‘ગૃહપ્રવેશ’નું ભૂપેન્દ્રસિંહ સાથે ‘બોલિયે સુરીલી બોલિયાઁ’ અને રફી સાહેબ સાથે ‘જબ આતી હોગી યાદ તેરી’ (‘ફાંસી’) જેવાં ગીતોએ પ્રેમનાં વિવિધ પાસાં ઝડપ્યાં. સુલક્ષણાએ તે સમયના લગભગ બધા ટોચના સંગીતકારો સાથે ગીતો ગાયાં, પરંતુ તેમની શ્રેષ્ઠ રચનાઓ આપી ખય્યામ સાહેબ અને કનુ રોયે.

-પણ જીવન હંમેશાં ફિલ્મ જેવું સુંદર, ગુલાબી નથી હોતું. કમનસીબે એમની કારકિર્દી પર અમુક શ્રેણીબદ્ધ દુર્ઘઘટનાઓના કારણે ફૂલસ્ટોપ મુકાઈ ગયું.

સુલક્ષણાના ભાઈ એટલે સંગીતકાર જોડી જતીન પંડિત-લલિત પંડિત. નાનકી બહેન અભિનેત્રી-ગાયિકા વિજયેતા પંડિતે, કુમાર ગૌરવ સાથે જોડી જમાવી ‘લવ સ્ટોરી’માં. તે વખતે યુવાપેઢીને આ જોડીએ ગાંડીઘેલી કરી મૂકેલી. અન્ય બહેનો સંધ્યાસિંહ, માયા એન્ડરસન અને ભાઈ મનધીરસિંહ.

 

આજથી તેર વર્ષ પહેલાં પરિણીત સંધ્યા અચાનક ગુમ થઈ ગયેલી. થોડાં અઠવાડિયાં બાદ પંડિતપરિવારને એનું હાડપિંજર મળ્યું. સંધ્યાની કરપીણ હત્યા થયેલી. તે વખતે મર્ડરના આરોપસર સંધ્યાના પુત્ર રઘુવીરસિંહની અરેસ્ટ થયેલી, પણે ત્રણેક વર્ષ પહેલાં એને છોડી મૂકવામાં આવ્યો. હજી હમણાં સુધી આ વિશે સુલક્ષણાને જાણ કરવામાં આવી નહોતી. એક લેટેસ્ટ વિડિયો ઈન્ટરવ્યુમાં વિજયેતાએ આ ઘટનાની માહિતી આપતાં કહ્યું કે “આ ઈન્ટરવ્યુ જોઈને મારી મોટી બહેનને ખબર પડશે તો એની પર શી વીતશે, અમે એને કહ્યા કરતા કે સંધ્યા ઈંદોરમાં છે, મજામાં છે. એ અવારનવાર એને મેસેજ મોકલતી, ફરિયાદ કરતી કે સંધ્યા મારા મેસેજના રિપ્લાય નથી કરતી”.

પર્સનલ લાઈફની વાત કરીએ તો, ‘ઉલઝ’ન ફિલ્મના શૂટિંગ વખતે સંજીવ-સુલક્ષણા પ્રેમમાં પડ્યાં, પણ સંજીવકુમારના બીજા સંબંધોની જેમ એ સંબંધનો પણ દુખદ અંત આવ્યો. 1985માં, માત્ર 47 વર્ષની વયે સંજીવકુમારનું અવસાન થયું એ પછી સુલક્ષણા ભાંગી પડ્યાં. જાતજાતની શારીરિક-માનસિક બીમારી એમને વળગી, ગંભીર ઈજાઓ થઈ, કોઈની મદદ વિના હાલીચાલી શકે નહીં…

-અને સાવ ફિલ્મી લાગે એમ, ચાલીસ વર્ષ પછી, સુલક્ષણા પંડિતનું એ જ દિવસે અવસાન થયું જે દિવસે સંજીવકુમારે પૃથ્વી પરથી ઓચિંતી એક્ઝિટ લીધીઃ છ નવેમ્બર.

સિલ્વર સ્ક્રીન સ્ક્રીન પર શરૂ થયેલી ‘ઉલઝન’ જાણે વાસ્તવિક જીવનમાં પૂરી થઈ.

ગઈ કાલે એમના અવસાનના સમાચાર આપતા વોટ્સએપ નોટિફિકેશનના રણકાર સાથે કિશોરકાળથી મનના કોઈ ખૂણે સંગ્રહેલી યાદનો એક અવાજ મૌન થયો. સુલક્ષણાનું જીવન કદાચ ફિલ્મી દુનિયાની ઝગમગાટ જેટલું ઝળાંહળાં નહોતું, પણ એમના અવાજમાં જે સચ્ચાઈ, જે પીડા અને જે મીઠાશ હતી, એ અંતરમાંથી આવતું સંગીત હતું- ભગ્ન હૃદયનું સંગીત.

હવે જ્યારે જ્યારે ‘તૂ હી સાગર…’ વાગશે, આંખો ફરી ઉદાસ થશે.