બેંગલુરુઃ કર્ણાટકની કમસે કમ 13,000 સ્કૂલોને રિપ્રેઝન્ટ કરવાવાળા બે સંઘોએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાજ્યની બસવરાજ બોમ્મઈની આગેવાની હેઠળની ભાજપની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાડ્યો છે. એસોસિયેટેડ સ્કૂલ મેનેજમેન્ટ ઓફ પ્રાઇવેટ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિયેશને વડા પ્રધાન મોદીને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને માન્યતા પ્રમાણપત્ર જારી કરવા માટે માગવામાં આવી રહેલી લાંચ પર નજર રાખવાનો આગ્રહ કર્યો છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઈ લોજિક વગર, કે તર્ક વગર, ભેદભાવપૂર્ણ રીતે દંડ માત્ર બિનસહાતા પ્રાપ્ત ખાનગી સ્કૂલો પાસેથી વસૂલ કરવામાં આવી રહ્યો છે. આને લઈને મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આ સંઘોએ દાવો કર્યો હતો. રાજ્યના શિક્ષણપ્રધાન બીસી નાગેશને અનેક વાર ફરિયાદ કરવામાં આવ્યા છતાં તેમના દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.
વડા પ્રધાનને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના બે મંત્રીઓએ વાસ્તવમાં એ બજેટ સ્કૂલોને બહુ નુકસાન પહોંચાડ્યું છે. જે વધુમાં વધુ રોકાણકારોને મૂડીરોકાણની મંજૂરી આપીને શિક્ષણનું વેપારીકરણ કરી રહ્યા છે. અને સીધા માતા-પિતા પર બાળકદીઠ ખર્ચ વધારી રહ્યા છે.
આ સંઘોએ એ પણ આરોપ લગાવ્યો છે કે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હોવા છતાં સરકાર દ્વારા નિર્ધારિત પાઠ્યપુસ્તકો હજી પણ સ્કૂલો નથી પહોંચાડવામાં આવ્યાં.