PM મોદીની ગુજરાત મુલાકાતઃ રાજ્યને વિકાસ-કાર્યોની ભેટ આપશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે “ખાદી ઉત્સવ”ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ તેઓ રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. વડા પ્રધાન ગુજરાત મુલાકાત દરમ્યાન કચ્છ-ભૂજની નર્મદા કેનાલનું પણ લોકાર્પણ કરશે. આ 375 કિમી લાંબી કેનાલ માટે રૂ. 1745 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વડા પ્રધાન મોદી સાંજે ખાદી ઉત્સવમાં હાજરી આપશે. અહીં 7500 મહિલા ખાદી-કારીગરો એક જ સમયે એકસાથે ચરખો કાંતશે. વડા પ્રધાન સ્થળ પર હાજર ખાદી-કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે.રાજ્યમાંથી આવેલા 75 રાવણહથ્થા કલાકારો વડા પ્રધાનનું સ્વાગત કરશે. 1920થી બનેલા વિવિધ પ્રકારના ચરખાની વિશેષ માહિતી પણ રજૂ કરવામાં આવશે. ખાદી ઉત્સવમાં આ પ્રાચીન ચરખા પણ અહીં મૂકવામાં આવ્યા છે.

PM મોદી સાંજે અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે. ત્યાર બાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. આવતી કાલે તેઓ 28 ઓગસ્ટે કચ્છના પ્રવાસે જશે, જ્યાં તેઓ કચ્છના ભૂજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. તેઓ કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. 28 ઓગસ્ટે સાંજે તેઓ ગાંધીનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મારુતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. તેઓ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

વડા પ્રધાન સરહદ ડેરીના નવા ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ, ભુજમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ગાંધીધામમાં ડૉ બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર અને અંજારમાં વીર બાલ સ્મારક સહિત અન્ય વિવિધ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.