મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા મુસળધાર વરસાદને કારણે પૂર આવ્યું છે. અનેક ખેડૂતો તથા સામાન્ય નાગરિકોને મોટું નુકસાન ગયું છે. આ ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે જાહેરાત કરી છે કે સરકાર તરફથી પૂરગ્રસ્તોને આર્થિક મદદ કરવામાં આવશે.
પૂરગ્રસ્તોને દરેકને રૂ. 10 હજારની તાત્કાલિક મદદ કરવામાં આવશે. તે ઉપરાંત જે પરિવારે પૂરની આફતમાં સભ્ય ગુમાવ્યા હશે એ પ્રત્યેકને ચાર-ચાર લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે.
રાજ્યના અનેક ગામોમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી ઘણા નાગરિકોના મૃત્યુ થયા છે અને ગામોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે.
આ અતિવૃષ્ટિની આફતમાં કમનસીબ ગામવાસીઓની મદદે રાજ્ય સરકાર આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે લોકોની દુકાનોને નુકસાન ગયું હશે એમને રૂ. 50 હજારની મદદ કરવામાં આવશે. ગઈ 19 જુલાઈએ રાજ્યના યવતમાળ, બુલઢાણા અને વાશિમ જિલ્લાઓમાં અનરાધાર વરસાદ પડ્યો હતો અને નદીઓમાં પૂર આવ્યું હતું. પૂરને કારણે ખેતીલાયક જમીન ધોવાઈ જતાં ખેડૂતોનાં પાકને નુકસાન થયું છે. તે જમીન પૂર્વવત કરવા માટે જે ખર્ચ થશે તે સરકાર ભોગવશે. પીડિત વ્યક્તિઓને સસ્તા દરે અનાજ પૂરું પાડવાનો પણ સરકારે નિર્ણય લીધો છે.