દિલ્હીમાં હવે 24 કલાક દરેક ઘરમાં મળશે શુદ્ધ પીવાનું પાણી

દિલ્હી: પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં હવે દરેક ઘરમાં ચોવીસ કલાક શુદ્ધ પાણી મળશે. આજથી તેની શરૂઆત થઈ ગઈ છે.

કેજરીવાલે કહ્યું કે જ્યારે અમે 2015માં દિલ્હીની સરકાર સંભાળી હતી. તે સમયે દિલ્હીમાં 50 થી 60 ટકા પાણી ટેન્કરો દ્વારા સપ્લાય કરવામાં આવતું હતું. પરંતુ આજે દસ વર્ષ બાદ મને એ જણાવતા આનંદ થાય છે કે દિલ્હીમાં 97 ટકાથી વધુ પાણી પાઈપલાઈન દ્વારા સપ્લાય થાય છે.અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું, આજે હું દિલ્હીના લગભગ 2.5 કરોડ લોકોને અભિનંદન આપું છું. કારણ કે આજનો દિવસ ઘણો ખાસ છે. આખી દિલ્હીમાં 24 કલાક ચોખ્ખું પાણી મળતું ન હતું. પરંતુ આજે તેની શરૂઆત રાજેન્દ્ર નગરના ડીડીએ ફ્લેટથી થઈ રહી છે. આજે દિલ્હીમાં 24 કલાક વીજળી મળી રહી છે. હવે મારો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક દિલ્હીવાસીને તેમના નળમાંથી ચોવીસ કલાક શુદ્ધ પાણી મળે. પછી તે ત્રીજા માળે રહેતો હોય કે ચોથા માળે રહેતો હોય. તેની શરૂઆત આજથી થઈ ગઈ છે. મેં 2020ની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે આગામી ચૂંટણી 2025 સુધીમાં સમગ્ર દિલ્હીના દરેક ઘરમાં સ્વચ્છ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. તેને થોડો સમય લાગ્યો પરંતુ હવે તે શરૂ થઈ ગયું છે અને હું વ્યક્તિગત રીતે ખુશ છું કે દિલ્હીમાં ઝડપથી 24 કલાક શુદ્ધ પાણી નળમાંથી મળશે.