મહારાષ્ટ્રમાં મેડિકલ ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરતા વાહનોને એમ્બ્યુલન્સનો દરજ્જો અપાયો

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસનું સંકટ હજી પણ ઘેરું છે, વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને એ સાથે ઓક્સિજનની માગણી પણ વધી રહી છે.

દર્દીઓને ઓક્સિજન સમયસર ઉપલબ્ધ થાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ઓક્સિજન ઉત્પાદક કંપનીઓ, ઓક્સિજન સપ્લાયર્સ દ્વારા હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરવઠો સમયસર પહોંચે એ માટે સરકારે મેડિકલ ઓક્સિજનના સિલિન્ડરોનું વહન કરતા વાહનોને એક વર્ષ સુધી એમ્બ્યુલન્સનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે.

આ વિશેનું નોટિફિકેશન રાજ્યના ગૃહ મંત્રાલયે ઈસ્યૂ કરી દીધું છે. તે અનુસાર, તબીબી ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરતા વાહનો પર સાઈરન બેસાડવામાં આવશે અને આવા વાહનોને રોકી શકાશે નહીં.

મેડિકલ ઓક્સિજન ટ્રાન્સપોર્ટ કરતા વાહનોને એમ્બ્યુલન્સનો દરજ્જો આપવાનો નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લીધો છે.

કોવિડ-19 દર્દીઓની સમયસર સારવાર કરી શકાય એ માટે હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરવઠો નિયમિત રીતે ઉપલબ્ધ રહેવો જોઈએ. એ માટે સંબંધિત કાયદાઓની કલમ હેઠળ એવા વાહનોને એમ્બ્યુલન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં હાલ આશરે 1000 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે છે. જરૂરિયાત 500 મેટ્રિક ટનની છે, પરંતુ હાલ કોરોના સંકટ ઘેરું હોવાથી આગળના સમયમાં ઓક્સિજનની જરૂર વધી શકે છે એ બાબતને ધ્યાનમાં લઈને સરકારે ઉત્પાદન વધારે રખાવ્યું છે.

દરરોજ કઈ હોસ્પિટલમાં ઓક્સિજનનો કેટલો ઉપયોગ થાય છે અને તેની જરૂરિયાત વિશેની વિગત હોસ્પિટલોએ દરરોજ ઓડિટ કરવાનું ફરજિયાત બનાવાયું છે અને તેમને રાજ્યસ્તરીય કન્ટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેવા જણાવાયું છે.

ઓક્સિજન લઈ જતી ટેન્કરોની અવરજવરને રોકવી નહીં તેમજ એની અવરજવર આખો દિવસ ચાલુ રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]