જયાનાં વક્તવ્ય બાદ બચ્ચન પરિવારના ઘરની બહાર સુરક્ષા વધારાઈ

મુંબઈઃ બોલિવુડ પીઢ અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય જયા બચ્ચને રાજ્યસભામાં ડ્રગ્સ વિવાદ પર આપેલાં નિવેદન પછી સોશિયલ મિડિયા પર ઘણા લોકો તેમના પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈને મુંબઈમાં તેમના નિવાસસ્થાનની બહાર સુરક્ષા બંદોબસ્ત વધારી દેવાં આવ્યો છે. સંસદમાં જયા બચ્ચનનાં બોલિવુડ પર નિવેદનો પછી મુદ્દો ઘણો ગરમ થઈ ગયો છે. સોશિયલ મિડિયા પર જયા બચ્ચનને બહુ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. જયા સિવાય લોકો અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર પર નિશાન સાધી રહ્યા છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના જુહુ વિસ્તાર સ્થિત તેમના ‘જલસા’ નિવાસસ્થાનની બહાર સુરક્ષાનો કડક જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.  

લોકો જે થાળીમાં ખાય છે, એ થાળીમાં જ છેદ

જયા બચ્ચને ડ્રગ કનેક્શનને લઈને નિવેદન આપ્યું હતું કે કેટલાક લોકો બોલિવુડને લઈને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જે લોકો જે થાળીમાં ખાય છે, એ થાળીમાં જ છેદ કરે છે. આ નિવેદન પછી જબરદસ્ત હંગામો થયો છે અને સુશાંતના ફેન્સ અને બાકી ઇન્ડસ્ટ્રીઝવાળાઓએ બોલિવુડને ઘેરવાનું શરૂ કર્યું છે.

બોલિવુડને ડ્રગ્સમુક્ત થઈ શકે

ભાજપના સંસદસભ્ય અને ભોજપુરી સુપરસ્ટારે સંસદમાં બોલિવુડમાં ફેલાયેલા ડ્રગ રેકેટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે એ વાત પણ સાથે કહી હતી કે આ મામલે ગંભીરતાથી અને બારીકીથી તપાસ કરવામાં આવવી જોઈએ., જેથી જલદી બોલિવુડને ડ્રગ્સમુક્ત કરી શકાય.

 ઇન્ડસ્ટ્રીને સતત બદનામ કરવાની પ્રક્રિયા

જયા બચ્ચને સંસદમાં કહ્યું હતું કે લોકસભામાં એક સંસદસભ્યએ બોલિવુડ વિશે એક નિવેદન આપ્યું હતું, તેઓ પોતે બોલિવુડ ઉદ્યોગમાંથી છે. જે લોકોને નામ અને પ્રસિદ્ધિ મળી છે, એમાં જ કેટલાકે એને ગટર કહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ ફિલ્મ ઉદ્યોગ છે, જેણે કેટલાય લોકોને ખૂબ નામ અને દામ મળ્યાં છે. મુઠ્ઠીભર લોકો દ્વારા કેટલીક ચીજવસ્તુઓને લઈને ઇન્ડસ્ટ્રીને સતત બદનામ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

બચ્ચન ફેમિલી પર નિશાન

આ નિવેદનબાજીને ફેન્સે અને બીજી વાર ઇન્સ્ટ્રીઝવાળાઓએ ઘણી ગંભીર રીતે લીધી છે, ત્યાર બાદ બચ્ચન ફેમિલી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. જોકે દરેક મુદ્દે પોતાની સલાહ આપવાવાળા અમિતાભ બચ્ચને અત્યાર સુધી આ મામલે મૌન ધારણ કર્યું છે.