‘કવિ ઉમાશંકર જોશી જયંતી’ ઉજવણી કાર્યક્રમમાં સાહિત્યકારની ઉત્તમ રચનાઓનું પઠન

મુંબઈઃ ગુજરાતી ભાષા અને સાહિત્યના સુપ્રસિદ્ધ સારસ્વત શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે ‘સંવિત્તિ’ સંસ્થા, ધી કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ‘ગુજરાતી ભાષા ભવન’ અને ‘પરિવર્તન પુસ્તકાલય’ તથા એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈના અનુસ્નાતક ‘ગુજરાતી વિભાગ’ના સંયુક્ત ઉપક્રમે હાલમાં જ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકપ્રિય સાહિત્યકાર-કવિ ઉમાશંકર જોશીની સમગ્ર સર્જનયાત્રાનો પરિચય મળી રહે એવી એમની ખૂબ જ પ્રતિષ્ઠિત અને ગુજરાતી ભાષા તથા સાહિત્યની શિરમોર કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

કેઈએસની જયંતિલાલ પટેલ લૉ કોલેજના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠના અનુસ્નાતક ગુજરાતી વિભાગની ૧૯ વિધાર્થિનીઓએ ઉમાશંકર જોશી લિખિત ગીત, સૉનેટ, છંદોબદ્ધ અને અછાંદસ કાવ્યો તથા વાર્તા, નિબંધ, પદ્યનાટક અને વિવેચનની અદભુત પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને રસતરબોળ કર્યાં હતાં.

આકાશવાણીમાં વરસોથી કામ કરતાં અને હાલ વિદ્યાર્થિની તરીકે અભ્યાસ પણ કરતાં  વૈશાલી ત્રિવેદીએ ‘પગલીનો પાડનાર’ વાર્તાની, ક્રિષ્ના ઓઝાએ ‘મિત્રતાની કલા’ નિબંધ, નીતા કઢી દ્વારા ‘વર વગરનો વરઘોડો’ વિવેચન લેખ તથા હીના દવે અને કવિત પંડ્યા દ્વારા ‘મંથરા’ પદ્યનાટકની ખૂબ જ પ્રભાવક અને અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત અલ્પા દેસાઈ, ગોપી શાહ, ફાલ્ગુની ઝવેરી, કાજલ સોવાણી, રીના નાકર, હેમા ઓઝા, નિકિતા પોરિયા, અનિષા ગાંધી, શીતલ ઠાકર, માધવી મહેતા, જયના શર્માએ ‘છિન્ન ભિન્ન છું’, ‘જઠરાગ્નિ’, ‘માઈલોના માઈલો મારી અંદર’, ‘માનવીનું હૈયું’, ‘ગુજરાત મોરી મોરી રે’, ‘ભોમિયા વિના’, ‘હજારહસવા કરું’, ‘ગુલામ’, ‘શું શું સાથે લઈ જઈશ હું?’ જેવા ઉત્તમ કાવ્યોની સુંદર પ્રસ્તુતિ તેમની આગવી શૈલીમાં કરી હતી.

કાર્યક્રમમાં અનુસ્નાતક ગુજરાતી વિભાગની વિદ્યાર્થિની ક્રિષ્ના ઓઝાનાં પુસ્તક ‘શ્રદ્ધા: રચનાત્મક ઊર્મિ’ તથા શેઠ જી.એચ. સ્કુલ અને જુનિયર કૉલેજ, બોરીવલીનાં પ્રિન્સીપાલ ચેતના ઓઝાનાં વિવેચન પુસ્તક ‘સરોજ પાઠક અને કૃષ્ણા સોબતી’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું રસપ્રદ સંચાલન કીર્તિદા દોશીએ કર્યુ હતું. ‘સંવિત્તિ’ સંસ્થાનાં હાર્દિક ભટ્ટે શ્રોતાજનોને આવકાર આપ્યો હતો અને સંવિત્તિના પ્રમુખ કીર્તિભાઈ શાહે આભારવિધિ કરીને કહ્યુ હતું કે હવે પછી સંવિત્તિ પહેલાની જેમ દર મહિનાના ચોથા શનિવારે આ પ્રકારના કાર્યક્રમ નિયમિત કરશે. ‘ગુજરાતી ભાષા ભવન’ના સ્થાપક તથા સુપ્રસિદ્ધ નવલકથાકાર દિનકર જોશીએ સમગ્ર ઉત્સવ માટે શુભેચ્છા આપી હતી અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.