નીરજ ચોપરા ઈજાગ્રસ્ત, કોમનવેલ્થ-ગેમ્સમાં ભાગ નહીં લે

નવી દિલ્હીઃ બ્રિટનના બર્મિંઘમમાં 28 જુલાઈથી શરૂ થનારી 22મી કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે ભારતને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર જેવેલિન થ્રોઅર નીરજ ચોપરા ઈજાગ્રસ્ત થયો છે. એની જંઘામૂળની નસ ખેંચાઈ જવાથી એ ગેમ્સમાં ભાગ લઈ શકવાનો નથી. ભારતના આ સ્ટાર એથ્લીટે હાલમાં જ અમેરિકામાં વિશ્વ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાલાફેંક રમતમાં રજત ચંદ્રક જીત્યો હતો.

ટોક્યો-2020 ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ આગામી કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયાની જાણકારી ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)ના મહામંત્રી રાજીવ મહેતાએ આપી છે. એમણે કહ્યું કે, વિશ્વ એથ્લેટિક સ્પર્ધા પૂરી થયા બાદ નીરજે જંઘામૂળની જગ્યાએ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ એને MRI કરાવવાનું કહેવામાં આવ્યું હતું. એમઆરઆઈ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ ડોક્ટરોએ એને એક મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે. નીરજ કોમનવેલ્થ ગેમ્સની બહાર થતાં ભારતને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ભારતને ભાલાફેંક રમતમાં નીરજ તરફથી સુવર્ણ ચંદ્રક મળવાની અપેક્ષા હતી.