હોપની સેન્ચુરીને બેકાર બનાવી દીધી અક્ષરની હાફ-સેન્ચુરીએ

પોર્ટ ઓફ સ્પેન (ટ્રિનિડાડ): અહીંના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર ગઈ કાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતનો સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ યાદગાર દાવ ખેલી ગયો. 7મા ક્રમે બેટિંગ કરવા ઉતરીને એણે પાંચ સિક્સર અને 3 બાઉન્ડરીની મદદથી માત્ર 35 બોલમાં 64 રન ઝૂડી કાઢતાં ભારતે 312 રનના મુશ્કેલ ટાર્ગેટને 49.4 ઓવરમાં અને 8 વિકેટના ભોગે ચેઝ કરી લીધો હતો. આ બે-વિકેટની જીત સાથે ભારતે 3-મેચની શ્રેણીને 2-0થી પોતાના કબજામાં લઈ લીધી છે. અક્ષરે બોલિંગમાં શમાર બ્રૂક્સની વિકેટ પણ લીધી હતી. આ જબરદસ્ત દેખાવ બદલ એને ‘પ્લેયર ઓફ ધ મેચ’નું ઈનામ અપાયું હતું. નિકોલસ પૂરને ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝે તેના ઓપનર-વિકેટકીપર શાઈ હોપના 115 રન અને કેપ્ટન પૂરનના 74 રનના મુખ્ય યોગદાન સાથે 50 ઓવરમાં 6 વિકેટે 311 રન કર્યા હતા.

તેના જવાબમાં, ભારતના ટોચના 6 બેટર્સ – કેપ્ટન શિખર ધવન (13), શુભમન ગિલ (43), શ્રેયસ ઐયર (63), સૂર્યકુમાર યાદવ (9), વિકેટકીપર સંજુ સેમસન (54) અને દીપક હુડા (33) માત્ર 256 રન બનાવી શક્યા હતા. ભારત મેચ જીતે એવી કોઈ શક્યતા જણાતી નહોતી, પણ અક્ષર પટેલે અસંભવને સંભવ કરી બતાવ્યું. કેરેબિયન બોલરોને એણે એવા ઝૂડી કાઢ્યા કે હરીફોને એનો સપનેય ખ્યાલ નહીં હોય. ભારતે પહેલી વન-ડે 3-રનથી જીતી હતી. હવે ત્રીજી અને શ્રેણીની આખરી વન-ડે મેચ 27મીએ આ જ મેદાન પર રમાશે. ત્યારબાદ પાંચ-મેચોની ટ્વેન્ટી-20 સીરિઝ રમાશે.