આઈપીએલનું જાગતિક વર્ચસ્વ ખતરનાક છેઃ ગિલક્રિસ્ટ

સીડનીઃ ઓસ્ટ્રેલિયાનો ધરખમ બેટર ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (બીબીએલ) સ્પર્ધામાં રમવાનું પડતું મૂકીને યૂનાઈટેડ આરબ એમિરેટ્સ (યૂએઈ)ની T20 લીગ જેવી વધારે પૈસા આપતી ક્રિકેટ સ્પર્ધાઓમાં રમવા જવાનો છે. આને કારણે ઓસ્ટ્રેલિયાના દંતકથાસમાન ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર એડમ ગિલક્રિસ્ટે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડને ચેતવણી આપી છે કે તે આની નોંધ લે જેથી વધારે ખેલાડીઓ વોર્નરના માર્ગે જતા અટકે.

ગિલક્રિસ્ટે કહ્યું છે કે ભારતની આઈપીએલ T20 સ્પર્ધા દુનિયાભરમાં રમાતી T20 સ્પર્ધાઓનો ઈજારો લઈ રહી છે. આ થોડુંક ખતરનાક છે. વોર્નર કે એના જેવા અન્ય ખેલાડીઓને દેશની પોતાની સ્પર્ધામાં ન રમવાની છૂટ આપી દેવી એ તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે વ્યાપારી આત્મઘાતી પગલું કહેવાશે. તેઓ વોર્નરને બીબીએલ સ્પર્ધામાં રમવાની ફરજ પાડી ન શકે. એ વાત હું સમજું છું, પણ એને કોઈ બીજા દેશમાંની એવી સ્પર્ધામાં રમવું હોવાથી બીબીએલને પડતી મૂકવાની છૂટ આપવી ન જોઈએ. આ તો આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓના વૈશ્વિક વર્ચસ્વનો એક ભાગ છે.