મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું છે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ને તેઓ મહારાષ્ટ્રમાં લાગુ નહીં કરાવે.
ઠાકરેએ કહ્યું છે કે CAA કાયદો કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટેનો નથી, પરંતુ દેવા માટેનો છે. પરંતુ, જો દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે તો હિન્દુઓ અને મુસલમાનો, બંને કોમનાં લોકો માટે એમનું નાગરિકત્વ સાબિત કરવાનું મુશ્કેલ બની જશે. એટલે હું મહારાષ્ટ્રમાં એને લાગુ થવા નહીં દઉં.
અત્યાર સુધીમાં દેશના 10 રાજ્યો CAA કે NRC અથવા બંનેને લાગુ કરવાનો ઈનકાર કરી ચૂક્યા છે. અન્ય રાજ્યો છે – રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઓડિશા, પંજાબ, કેરળ.
ઠાકરેએ આ નિવેદન એમની શિવસેના પાર્ટીના મુખપત્ર અને મરાઠી અખબાર ‘સામના’નાં તંત્રી તથા પક્ષના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતને આપેલી એક મુલાકાતમાં ઉપર મુજબ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સીએએ અને એનઆરસી, બંને મુદ્દે હાલ દિલ્હીમાં શાહીનબાગ વિસ્તારમાં વ્યાપક વિરોધ-દેખાવો ચાલી રહ્યા છે.
‘નાગરિકતાને લગતા કાયદાઓ વિશે તમારું શું વલણ છે?’ એવા સવાલના જવાબમાં ઠાકરેએ કહ્યું કે ‘સીએએ અંતર્ગત કોઈને પણ ભારત દેશમાંથી બહાર કાઢવાની જોગવાઈ નથી, પરંતુ એનઆરસી અંતર્ગત માત્ર મુસ્લિમોને જ નહીં, પણ હિન્દુઓને પણ એમની નાગરિકતા સાબિત કરવાનું મુશ્કેલ બની જશે. એટલે એ કાયદાને હું મહારાષ્ટ્રમાં લાગુ કરવા નહીં દઉં. મેં મારા પિતા (શિવસેના સ્થાપક સ્વ. બાલ ઠાકરે)ને જે વચન આપ્યું હતું તે પૂરું કરીને જ રહીશ.’
ઠાકરેની આ મુલાકાત 3, 4 અને પાંચ ફેબ્રુઆરીએ સામના અખબારની વેબસાઈટ http://www.saamana.com પર જોવા મળશે.