‘બાંગ્લાદેશીઓ ભારતમાંથી ચાલ્યા જાવ નહીં તો..’: મુંબઈમાં ‘મનસે’ના પોસ્ટરો લાગ્યા

મુંબઈ – ભારતમાંથી ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ તેમજ આ બે દેશના ઘૂસણખોરો વિરુદ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીએ પોતાનું વલણ સખત બનાવ્યું છે. મુંબઈમાં આ મુદ્દે તે એક રેલી યોજવા પણ વિચારે છે. એવામાં આજે આ પાર્ટીના પોસ્ટરો જોવા મળ્યા છે જેમાં બાંગ્લાદેશીઓને ધમકી આપવામાં આવી છે કે તેઓ ભારતમાંથી ચાલ્યા જાય નહીં તો એમને ‘મનસેની સ્ટાઈલ’માં ઢસડીને કાઢી મૂકવામાં આવશે.

પનવેલના રસ્તા પર મરાઠી ભાષામાં લખેલા જોવા મળેલા પોસ્ટરમાં આવું લખાણ વાંચવામાં મળ્યું છે: ‘બાંગ્લાદેશીઓ દેશમાંથી ચાલ્યા જાવ નહીં તો MNS સ્ટાઈલમાં હાંકી કાઢવામાં આવશે.’ આ પોસ્ટરમાં મનસે પાર્ટીના વડા રાજ ઠાકરે અને એમના પુત્ર અમિત ઠાકરેના ફોટા પણ દર્શાવવામાં આવ્યા છે. અમિત ઠાકરેને હાલમાં જ પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે.

રાજ ઠાકરેએ ગયા મહિને જાહેરાત કરી હતી કે એમની પાર્ટી મુંબઈમાં 9 ફેબ્રુઆરીએ વિરાટ રેલી યોજશે અને પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાંથી આવેલા ગેરકાયદેસર ઘૂસણખોરોને ભારતમાંથી કાઢી મૂકશે.

ઠાકરેએ પુણેમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારત કંઈ ધર્મશાળા નથી. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા લોકોને હાંકી કાઢવા જોઈએ. ભારતે કંઈ માનવતા બતાવવાનો કોન્ટ્રાક્ટ નથી લીધો. નાગરિકતા સુધારિત કાયદા (CAA) વિશે ચર્ચા થઈ શકે છે, પણ બીજા દેશમાંથી ગેરકાયદેસર રીતે આવેલાઓને આપણે શા માટે આશરો આપવો જોઈએ?

રાજ ઠાકરેએ એમની પાર્ટીની વિચારસરણી બદલી છે. એમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાર્ટીએ મહારાષ્ટ્રમાં પોતાની વિચારસરણીમાં ફેરફાર કરતાં રાજ ઠાકરેએ પોતાની પાર્ટીની વિચારધારાને બદલી છે.

રાજ ઠાકરેની પાર્ટી અગાઉ મરાઠીઓનાં કલ્યાણની વાતો કરતી હતી, પરંતુ હવે એ હિન્દુત્વ મુદ્દે સક્રિય થઈ છે.

મનસે પાર્ટીએ ગયા ડિસેંબરમાં યોજેલા તેના મહા-અધિવેશનમાં તેનો નવો ધ્વજ રિલીઝ કર્યો હતો જે સંપૂર્ણપણે કેસરી ડિઝાઈનવાળો છે.

2006ની સાલમાં મનસે પાર્ટીએ પોતાના જે ધ્વજનું અનાવરણ કર્યું હતું એમાં કેસરી, લીલો અને બ્લુ રંગોની પટ્ટીઓ હતી, જે હિન્દુ, મુસ્લિમ તથા દલિત સમાજનો નિર્દેશ કરતા હતા. પરંતુ હવે તેણે નવો ધ્વજ માત્ર કેસરી રંગનો રાખ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]