મુંબઈઃ છ મહિનાથી નોકરી ન મળવાથી હતાશ થઈ ગયેલા અહીંના મલાડ ઉપનગરના એક યુવકે પોતાનું જીવન ટૂંકાવી દેવાનું નક્કી કર્યું હતું. મરી જવા માટેનો આસાન માર્ગ શોધવા માટે એણે ગૂગલ પર સર્ચ કર્યું હતું. દરમિયાન, ગૂગલ પર ધ્યાન રાખનાર ઈન્ટરપોલ (ઈન્ટરનેશનલ પોલીસ – ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન) સંસ્થાના અધિકારીઓએ તરત જ મુંબઈ પોલીસને આની જાણ કરી હતી.
મુંબઈ પોલીસે ત્વરિત પગલું ભર્યું હતું. તેના જવાનોએ બે કલાકમાં જ યુવકને શોધી કાઢ્યો હતો અને તેને સમજાવીને એને આત્મહત્યા કરતો રોકી દીધો હતો. તે યુવક 28 વર્ષનો છે. મુંબઈ પોલીસને ગયા મંગળવારે બપોરે ઈન્ટરપોલ તરફથી ઈમેલ આવ્યો હતો. એમાં ઈન્ટરપોલે જ પોલીસને તે યુવકનો મોબાઈલ ફોન નંબર, એના રહેવાના ઠેકાણાની વિગત આપી હતી તથા જણાવ્યું હતું કે એ આત્મહત્યા કરવાના પ્રયાસમાં છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નાયબ કમિશનર લખમી ગૌતમે તે ઈમેલ પર તત્કાળ ધ્યાન આપ્યું હતું અને બે કલાકમાં જ એ યુવકને શોધી કાઢ્યો હતો. તે મલાડમાં એક ભાડાના ઘરમાં રહેતો હતો. તેઓ એને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.
ત્યાં એમણે તેની પૂછપરછ કરી હતી. ત્યારે યુવકે કબૂલ કર્યું હતું કે તે આત્મહત્યા કરવા માગતો હતો અને તે માટેના આસાન રસ્તા વિશે એણે ગૂગલ પર સર્ચ કર્યું હતું. પોતે શા માટે આત્મહત્યા કરવા માગતો હતો એનું કારણ પણ એણે પોલીસોને જણાવ્યું હતું. આ યુવક મૂળ રાજસ્થાનનો છે. તે નોકરી માટે ત્રણ વર્ષ પહેલાં મુંબઈ આવ્યો હતો. એણે કોલેજમાં પરીક્ષા પણ આપી હતી અને એમાં પાસ પણ થયો હતો. એણે કમ્પ્યુટરમાં ડિપ્લોમા કોર્સ પણ પૂરો કર્યો હતો. એ પછી મીરા રોડમાં એને એક રિયલ એસ્ટેટ ઓફિસમાં નોકરી મળી હતી, પરંતુ છ મહિના પહેલાં એણે તે નોકરી ગુમાવી હતી. એ પછી નોકરી ન મળતાં એ હતાશ થઈ ગયો હતો.