માધુરીનું ‘બડા દુ:ખ દિના’ ગીત બીજીવાર તૈયાર કરવામાં આવ્યું હતું!

સુભાષ ઘઈએ બહુ કપરા સંજોગોમાં ફિલ્મ ‘રામ લખન’ (1989) શરૂ કરી હતી. પણ એમને સફળતા મળી હતી. ‘રામ લખન’ ની સ્ક્રિપ્ટ અને ગીત સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણવા જેવી છે. ‘કર્મા’ (1986) ની સફળતા પછી અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘દેવા’ (1987) શરૂ કરી હતી. એનું એક ગીત સાથે દસ દિવસનું શુટિંગ થયા પછી અમિતાભ સાથેના મતભેદને કારણે બંધ થઈ ગઈ હતી. ત્યારે 15 દિવસમાં ફિલ્મ ‘રામ લખન’ શરૂ કરવાનો પડકાર આવી ગયો હતો. એમની પાસે ફિલ્મ માટે વાર્તાનો માત્ર એક વિચાર હતો.

મુખ્ય ભૂમિકા માટે અનિલ કપૂર અને જેકી શ્રોફને વાત કરી હતી. કેમ કે બંને સાથે ફિલ્મો કરી હતી. પરંતુ એ સમય પર બંનેની ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી. તેથી તેમણે કહ્યું હતું કે તમારે તો સ્ટાર્સ જોઈએ છે. અમે સફળ નથી. સુભાષ ઘઈએ એમ કહીને બંનેને લીધા કે તમે બંને મારી ‘મુક્તા આર્ટ્સ’ના સભ્ય છો અને મારે 15 દિવસમાં ફિલ્મ શરૂ કરવાની છે. એમણે ફિલ્મની વાર્તા વિશે પૂછ્યું ત્યારે એટલું જ કહ્યું કે બે પુત્ર હોય છે એમાં એક પ્રામાણિક અને બીજો ભ્રષ્ટ હોય છે. એમને સમજ ના પડી પણ હા પાડી દીધી.

રાખીને માની ભૂમિકા માટે કહ્યું. એમણે પણ વાર્તા પૂછી ત્યારે એમને પણ કહ્યું કે એક મા હોય છે. એમના બે પુત્ર પોલીસમાં છે. એક પ્રામાણિક છે અને બીજો ભ્રષ્ટાચારી છે. એમણે હા પાડ્યા પછી તે ખંડાલા ગયા અને બે અઠવાડિયામાં સ્ક્રિપ્ટ તૈયાર કરી. એ વાર્તા કલાકારોને સંભળાવી. એમને પસંદ આવી પણ સ્ક્રિપ્ટ સંપૂર્ણ ન હતી. સેટ પર જ એમાં સુધારા વધારા કરવા પડે એમ હતા.

ફિલ્મ શરૂ થયા પછી અનેક વિતરકોએ એમ કહીને ના પાડી દીધી હતી કે એમાં ફ્લોપ કલાકારો હોવાથી તે ખરીદશે નહીં. આ સંજોગોમાં એમણે હિંમત ના હારી. સ્ક્રિપ્ટ બાબતે પણ પડકાર હતો. ફિલ્મમાં એવા અનેક દ્રશ્યો હતા જે સેટ પર જ લખાયા હતા. અનુપમ ખેરનું ઈંડાવાળું દ્રશ્ય શુટિંગ વખતે જ લખાયું હતું. અને ‘બડા દુ:ખ દિના ઓ રામજી’ ગીતના શુટિંગ વખતે સુભાષ ઘઈને સરોજ ખાન સાથે ઘણી મગજમારી થઈ હતી. જ્યારે સરોજ ખાને માધુરી સાથે નવ દિવસ શુટિંગ કરીને સુભાષ ઘઈને બતાવ્યું ત્યારે એમણે એને એમ કહીને રદ કરી દીધું કે એ વાર્તા સાથે મેળ ખાતું નથી. મારે એને બદલવું પડશે. એ વાતનું સરોજને બહુ દુખ લાગ્યું. એમણે બહુ મહેનત કરી હતી.

સુભાષ ઘઈનું કહેવું હતું કે સરોજે નૃત્યની દ્રષ્ટિથી ગીત તૈયાર કર્યું હતું પણ એ વાર્તાની દ્રષ્ટિએ તૈયાર કરવા માંગતા હતા. એમણે પોતાની રીતે ગીતનું શુટિંગ શરૂ કર્યું. ‘બડા દુ:ખ દિના ઓ રામજી’ નું પહેલું દ્રશ્ય માધુરી ઘાઘરો ફેલાવીને બેઠી હોય એનું કર્યું. પછી બે મિનિટ સુધીનું ગીત બેસીને જ ગાતી રહે છે. ત્રણ દિવસ સુધી એ શુટિંગ ચાલ્યું. એ પછી સુભાષ ઘઈએ બાકીના ગીતનું નૃત્ય નિર્દેશન કરવાનું સરોજને સોંપી દીધું. પણ એટલા દિવસ નારાજગીને કારણે સરોજ સેટ પર રહેવાને બદલે કેન્ટીનમાં બેસી રહ્યાં હતાં. ગીત તૈયાર થયા પછી એમણે સરોજને બતાવ્યું ત્યારે એમને સુભાષ ઘઈનો નિર્ણય યોગ્ય લાગ્યો હતો અને કહ્યું હતું કે હવે પછી હું તમારા નિર્ણય સામે દલીલ કરીશ નહીં. તમે ગીતમાં વાર્તા પ્રમાણે ઇમોશન રાખ્યા છે.