કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલમાં અત્યાધુનિક ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ સેવારત

મુંબઈઃ ‘શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલે સમાજના નબળા વર્ગને પણ પરવડી શકે એવી કિંમતે ગુણવત્તાસભર તબીબી સારવાર મળી શકે એ દિશામાં કામ કરીને પોતાની માનવસેવા માટેની પ્રતિબધ્ધતા દાખવી છે અને આ ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ એ દિશામાં એક મહત્વનું પગલું છે.’ આ શબ્દો સૂચક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. અનિલ સૂચકે ગત્ ૨૬મી સપ્ટેમ્બરે અત્રેની શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ સંસ્થાની કેએચએમ હોસ્પિટલમાં સ્ટેટ ઑફ ધ આર્ટ મોડ્યૂલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સના ઉદઘાટન સમારંભમાં કહ્યા હતા.

ડૉ. અનિલ સૂચક, ડૉ. અગમ વોરા, દાતાઓ શ્રી અને શ્રીમતી લછમનદાસ હેમનદાસ ગોધિયા, હિતવર્ધક મંડળના પ્રેસિડન્ટ સતિશભાઇ દત્તાણી, વાઈસ પ્રેસિડન્ટ રજનીભાઈ ઘેલાણી, મેનેજિંગ ટ્રસ્ટી વિનોદભાઈ વોરા તથા ઓનરરી ટ્રેઝરર અનંતરાય મહેતાએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આખા કાર્યક્રમનું સંચાલન ડૉ. ઉમેશ ખન્ના અને ડૉ. નીતા સિંગીએ કર્યું હતું. સંસદસભ્ય ગોપાલ શેટ્ટી હાજર ન રહી શકવાથી તેમના પ્રતિનિધિએ એમનો શુભેચ્છા પત્ર કાર્યક્રમ દરમિયાન સુપરત કર્યો હતો.

લછમનદાસ હેમનદાસ ગોધિયા, સૂચક હોસ્પિટલના સીઈઓ ડૉ. અનિલ સૂચક, ચેસ્ટ ફિઝિશિયન ડૉ. અગમ વોરા, કેન્સર સર્જન ડૉ. અમીષ પટેલ, ઑપ્થેલ્મીક સર્જન ડૉ. અતુલ પરીખ, નેફ્રોલૉજીસ્ટ ડૉ. ઉમેશ ખન્ના, આર્કિટેક્ટ સંજય શાહ મંચ પર ઉપસ્થિત હતા. હિતવર્ધકના ઓનરરી સેક્રેટરી પંકજ શાહે અંતમાં આભારવિધિ કરી હતી. ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક દિનકરભાઈ જોશી, કે.એચ.એમ.ના ભૂતપૂર્વ સેક્રેટરી રમણભાઈ શાહ તથા કેઈએસનાં હોદ્દેદારો મહેશભાઇ ચંદારાણા, મહેશભાઇ શાહ તથા ભરતભાઇ દત્તાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મોડ્યૂલર થિયેટર કોમ્પ્લેકસની ખાસિયત:

દીપ પ્રાગટ્ય બાદ આ ઓપરેશન થિયેટર કોમ્પ્લેકસ લોકો માટે ખુલ્લુ મુકાયું હતું. આ મોડ્યૂલર  થિયેટર કોમ્પ્લેકસ NABH  (નેશનલ એફિલીએશન બોર્ડ ફૉર હોસ્પિટલ્સ)ની ગાઈડલાઈન પ્રમાણે બનાવવામાં આવ્યું છે. આ થિયેટર કોમ્પ્લેક્સમાં પાંચ અલગ-અલગ ઓપરેશન થિયટર્સ છે, જેમાંથી બે આંખની સર્જરી માટેનાં ખાસ છે. બાકીના થિયેટર્સમાં બધા જ પ્રકારની સર્જરી થઈ શકશે. આ બધા જ થિયેટર્સ લેમિનાર એરફ્લો ટેકનિક ધરાવે છે જેનાથી ઓપરેશન થિયેટરમાં 100% સ્ટરાઈલ હવા આવે છે. આ ઓપરેશન થિયેટર ખૂબ જ મોંઘા કોરિયન મટીરિયલથી બનાવવામાં આવ્યું છે. જેને લીધે તેમાં સોલીડ મિનરલ સરફેસ શક્ય બની છે, જેની ખાસિયત એ છે કે કોઈ પણ માઈક્રો ઓર્ગેનિઝમ તેની ઉપર ચીટકી શકે તેમ નથી જેથી ઈન્ફેક્શન થવાનો કોઈ ભય રહેતો નથી.

લાજવંતીબેન મણિલાલ ગોંધિયા ટ્રસ્ટ તરફથી આ ઓપરેશન થિયેટર માટે ઘણું મોટું અનુદાન મળ્યું છે. તબીબી, શિક્ષણ તથા અન્ય સામાજિક જરૂરિયાતો માટે આ ટ્રસ્ટ કાર્યરત છે. “શ્રેષ્ઠ તબીબી સારવાર એ દરેકનો મૂળભૂત અધિકાર છે. નીચલા મધ્યમ વર્ગનાં લોકોને પણ શ્રેષ્ઠ સારવાર મળી શકે એ માટે કાંદિવલીના શ્રી હિતવર્ધક મંડળ હોસ્પિટલે અથાગ પ્રયત્નો કરીને આટલી ઊંચી કક્ષાની તબીબી સારવાર ઊભી કરી છે એ બહુ જ આનંદની વાત છે”, એવું આ ટ્રસ્ટના ચેરમેન ગોધિયાએ કહ્યું હતું.

શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળની ગૌરવપૂર્ણ યાત્રા:

શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ એક ચેરિટેબલ ટ્રસ્ટ છે જે પશ્ચિમી પરામાં લોકોની સેવામાં છેક ૧૯૩૪થી કાર્યરત છે. સમાજના નબળા વર્ગને એમની જાતિ, ધર્મ, ભાષા વગેરે જેવા કોઈ પણ ભેદભાવ વગર મદદ કરી શકાય અને તેમની સેવા કરી શકાય એ ધ્યેયથી આ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આટલા વર્ષના ગાળામાં માનવસેવાની આ નાની શરુઆતે આજે ખૂબ મોટી હરણફાળ ભરી છે. આજે રાઉન્ડ ધ ક્લોક અહીં ૪૮ બેડની મલ્ટીસપેશિયાલિટી હોસ્પિટલ ચાલે છે જે  ટૂંક સમયમાં ૧૦૦ બેડની થવા જઈ રહી છે. અહીં આઈસીયુ, ડાયગ્નોસ્ટિક તથા ડાયાલીસીસ માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અહીં ખૂબ જ વ્યાજબી ભાવે ગુણવત્તાસભર તબીબી સેવાઓ આપવામાં આવે છે. વાર્ષિક ૩.૨૫ લાખથી ૩.૫ લાખ દર્દીઓને અહીં વિવિધ તબીબી તકલીફો માટે સારવાર મળે છે. અહીં લગભગ ૧૨૦ જેટલા ડોક્ટર્સ સેવા આપે છે તેમ જ લગભગ ૨૫૦ વ્યક્તિઓનો સ્ટાફ છે. દર વર્ષે ૧૪ થી ૧૫ હજાર જેટલા ડાયાલીસીસ અહીં કરવામાં આવે છે. વાર્ષિક ૩૦૦૦ જેટલા મોતીબિંદુના તથા ૫૦૦ જેટલી રેટિના સર્જરી કરવામાં આવે છે. અન્ય સર્જરીઓમાં ઈએનટી, ગાયનેક, ઓર્થો, યુરોલઓજી તથા વેસકયુલર સંબંધિત સર્જરીઓ પણ અહીં કરવામાં આવે છે.

ઑપ્થેલ્મીક સર્જન ડૉ. અતુલ પરીખ, નેફ્રોલૉજીસ્ટ ડૉ. ઉમેશ ખન્ના, ઈએનટી સર્જન ડૉ. ભરત જોબનપુત્રા, આઈ સર્જન ડૉ. નીતિન મલ્કાણ આ ચારે ડોક્ટર હિતવર્ધક હોસ્પિટલ સાથે લગભગ ૩૦-૩૫ વર્ષથી જોડાયેલા છે. તેઓ મેડિકલી એડવાઈઝરી બોર્ડના ભાગ છે.

હિતવર્ધક હોસ્પિટલની ભવિષ્યની યોજનાઓ:

રોટરી ક્લબ કાંદિવલી વેસ્ટ તરફથી ઑક્ટોબર ૨૦૨૩માં અહીં સીટી સ્કેન મશીન લગાવવામાં આવશે. ટૂંક સમયમાં ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજી તથા કાર્ડિયાક સર્જરી ડિપાર્ટમેન્ટ પણ શરૂ થશે. ૧૦૦ બેડની સુવિધા શરૂ થશે ત્યારબાદ ઓન્કૉલૉજી તેમજ નેફ્રોલૉજી વોર્ડ પણ શરૂ કરવામાં આવશે. ઑપથેલ્મોલૉજી અને નેફ્રોલૉજીમાં ડીએનબી પોસ્ટ ગ્રેજ્યુએટ એફિલીએશન પ્રોગ્રામ પણ અહીં શરૂ  કરવાની કોશિશ ચાલુ છે.

(સોનલ કાંટાવાલા)