ધોધમાર વરસાદના વિઘ્ન વચ્ચે ભક્તોએ વિઘ્નહર્તાને આપી ભાવભરી વિદાય

મુંબઈઃ આજે બપોર પછી ગાજવીજ સાથે ભારે વરસાદે ગણપતિ વિસર્જન પ્રસંગમાં ગણેશભક્તોના ઉત્સાહને થોડોક મંદ પાડી દીધો હતો, તે છતાં વરસાદ અટકી જતાં વિસર્જન રેલીઓ આગળ વધી હતી. ‘ગણપતિ બાપા મોરયા, પૂઢચ્યા વર્ષી લવકર યા’, ‘ગણપતિ બાપા મોરયા, મંગલમૂર્તિ મોરયા’, ‘ગણપતિ ગેલે ગાવાલા, ચેન પડે ના આમ્હાલા’ જેવા ગગનભેદી નારાઓ લગાવતા, ઢોલ-નગારા, શરણાઈ પર ધૂન વગાડતા આગળ વધતા ભક્તો ગણપતિજીની વિવિધ આકાર અને રંગરૂપની મૂર્તિઓ સાથે મુંબઈના તમામ નાના, મોટા રસ્તાઓ પરથી સરઘસાકારે જતાં જોવા મળ્યા હતા.

આજે ‘અનંત ચતુર્દશી’ દિવસે ગણપતિ વિસર્જન સાથે 10 દિવસથી ચાલતા ‘ગણેશોત્સવ’નો અંત આવશે. શહેરની ગિરગાંવ, જુહૂ, માહિમ, વર્સોવા, ગોરાઈ, માર્વે ચોપાટીઓ ખાતે ગણપતિની મૂર્તિઓના વિસર્જન માટે ભક્તોની અપાર ભીડ જામી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ તંત્રએ જડબેસલાક સુરક્ષા તથા મહાપાલિકા તંત્રોએ સુવિધા-સવલતોની પૂરી વ્યવસ્થા કરી હતી.

સૌથી મોટું આકર્ષણ મધ્ય મુંબઈના લાલબાગ વિસ્તારના ‘લાલબાગચા રાજા’ ગણપતિના વિસર્જન સરઘસનું રહ્યું હતું. ગણપતિની વિરાટ કદની મૂર્તિને શ્રોફ બિલ્ડિંગસ્થિત મંડપમાંથી વિસર્જન માટે લઈ જવામાં આવી હતી અને મૂર્તિ પર સતત ફૂલોની પાંખડીઓનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો હતો. મૂર્તિને લાલબાગથી દક્ષિણ મુંબઈના ગિરગાંવ ચોપાટી તરફ લઈ જવામાં આવી હતી. સમગ્ર રૂટ પર ચિક્કાર માનવમેદની જોવા મળી હતી. રૂટ પર અન્ય ગણેશ મૂર્તિના વિસર્જન સરઘસ પણ પસાર થતા જોવા મળ્યા હતા.

ગણેશ ગલીના ગણપતિનું સરઘસ મોડી સાંજે ગિરગાંવ ચોપાટી ખાતે પહોંચ્યું હતું. ‘ચિંચપોકલીચા ચિંતામણી’ ગણપતિનું સરઘસ મોડી રાતે પહોંચશે. ‘લાલબાગચા રાજા’ ગણપતિ આવતીકાલે સવારે ચોપાટી પહોંચશે અને મૂર્તિનું દરિયામાં વિસર્જન કરાશે.

મહાપાલિકાના જણાવ્યાનુસાર, શહેરમાં સાર્વજનિક મંડળો તથા ઘરેલૂ કક્ષાની હજારો મૂર્તિઓનું દરિયામાં તેમજ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાશે.