મુંબઈઃ લીધેલી લોનની રકમ પરત ન કરનાર એક જણને પડોશના થાણે જિલ્લાની એક કોર્ટે ત્રણ મહિનાની સાદી જેલની સજા ફટકારી છે અને રૂ. 24 લાખનો દંડ પણ ફટકાર્યો છે. એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ જે.આર. મુલાનીએ આ કેસની સુનાવણીમાં આરોપી સૂરજ ભાગવત લોંધેને નેગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ એક્ટ, 1881 હેઠળ કસુરવાર ઠેરવ્યો હતો અને આદેશ આપ્યો હતો કે તેણે દંડની રૂ. 24 લાખની રકમમાંથી રૂ. 23.75 લાખ મંદા આસારામ બહિર નામક મહિલા ફરિયાદીને વળતર પેટે ચૂકવા. મંદા બહિર મીરા-ભાયંદર વિસ્તારનાં રહેવાસી છે. એમની પાસેથી સૂરજે 2017ના ડિસેમ્બરમાં રૂ. 12 લાખની રકમની ફ્રેન્ડ્લી લોન લીધી હતી.
ત્યારબાદ અનેકવાર યાદ કરાવ્યા બાદ, આરોપીએ એમને એક ચેક આપ્યો હતો, પણ તે અપૂરતા ભંડોળને કારણે બેન્કે અમાન્ય કર્યો હતો. તે પછી ફરિયાદીએ આરોપીને કાનૂની નોટિસ મોકલી હતી, પણ તે છતાં એમને લોનની રકમ પાછી મળી નહોતી. આખરે તેમણે કોર્ટમાં કેસ કર્યો. જજે કહ્યું, આ સોદો ફરિયાદી અને આરોપી વચ્ચે એક ફ્રેન્ડ્લી લોનનો હતો. પરંતુ રકમ પરત ન કરતાં ફરિયાદીને પાંચ વર્ષ સુધી આર્થિક ખોટ ભોગવવી પડી હતી. તેથી કોર્ટ દંડની રકમને ચેકની રકમ રૂ. 12 લાખ કરતાં બમણી કરે છે.
