મુંબઈઃ આદિવાસી જાતિનાં લોકોનાં અધિકારો માટેના ચળવળકાર અને પુણેની એલ્ગર પરિષદ સંસ્થા સામે કરાયેલા ઉશ્કેરણીજનક ભાષણોના કેસના આરોપી સ્ટાન સ્વામીનું આજે બપોરે અહીં મૃત્યુ થયું છે. 84 વર્ષના ખ્રિસ્તી પાદરી ફાધર સ્ટાન સ્વામી ગઈ કાલથી વેન્ટીલેટર સપોર્ટ પર હતા. એલ્ગર પરિષદ સામેના કેસમાં ત્રાસવાદ-વિરોધી કાયદા અંતર્ગત સ્ટાન સ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. એ ગયા વર્ષથી નવી મુંબઈમાં તળોજાસ્થિત જેલમાં હતા. ત્યાંથી એમને ગઈ 28 મેએ મુંબઈના બાન્દ્રા ઉપનગરની હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં એમની સારવાર ચાલતી હતી. આજે એમનું મૃત્યુ થયા બાદ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. ડિસોઝાએ મુંબઈ હાઈકોર્ટને તે વિશે જાણ કરી હતી. સ્વામીને ગયા મહિને ખાનગી હોસ્પિટલમાં કોરોનાવાઈરસ પણ થયો હતો અને એમને તરત જ આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. એમની જામીન અરજી પર ગયા શુક્રવારે સુનાવણી થવાની હતી, પરંતુ સમયના અભાવે તે કરી શકાઈ નહોતી.
ગયા મહિને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં સોગંદનામું નોંધવામાં આવ્યું હતું જેમાં તેણે સ્ટાન સ્વામીએ નોંધાવેલી જામીન અરજી સામે વિરોધ નોંધાવ્યો હતો. એજન્સીએ કહ્યું હતું કે સ્ટાન સ્વામીની તબીબી બીમારીનો કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. સ્વામી એક માઓવાદી ચળવળકાર છે, જેણે દેશમાં અંધાધૂંધી ફેલાવવા એક કાવતરું ઘડ્યું હતું. એલ્ગર પરિષદ સામેનો કેસ ઉશ્કેરણીજનક ભાષણો કરવાને લગતો છે. એ ભાષણો 2017ની 31 ડિસેમ્બરે પુણેમાં આયોજિત એક કાર્યક્રમ વખતે કરાયા હતા. પોલીસનો દાવો છે કે એને કારણે જ તે પછીના દિવસે પુણે શહેરની હદમાં આવેલા કોરેગાંવ-ભીમા ગામમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. પોલીસે ઝારખંડના રાંચીમાંથી સ્વામીની ધરપકડ કરી હતી. કેસમાં એમને સહ-આરોપી બનાવવામાં આવ્યા હતા. એનઆઈએ એજન્સીનો આરોપ છે કે સ્ટાન સ્વામી પ્રતિબંધિત સીપીઆઈ (માઓઈસ્ટ) સંગઠન વતી કામ કરતી સંસ્થાના સભ્ય હતા.
(તસવીર સૌજન્યઃ @MomentsIndia)