એવા વરિષ્ઠ નાગરિકોની ચાલી રહી છે શોધખોળ

મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના વિભાગો શહેરના એવા દોઢ લાખ જેટલા નાગરિકોને શોધી રહ્યાં છે જેમણે હજી સુધી કોરોનાવાઈરસની રસીનો પહેલો ડોઝ પણ લીધો નથી. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશનો આરંભ આ વર્ષની 1 માર્ચથી કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, મુંબઈમાં 11.50 લાખ જેટલા વરિષ્ઠ નાગરિકો છે. એમાંથી 9.50 લાખ લોકોએ કોરોના-પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. 4.50 લાખ વરિષ્ઠ નાગરિકો એવા છે જેમણે રસીના બંને ડોઝ લઈ લીધા છે. પરંતુ દોઢ લાખ એવા લોકો છે જેમણે હજી સુધી એકેય ડોઝ લીધો નથી. એનું કારણ એ હોઈ શકે કે એમને એવો ડર હશે કે રસી લેવાથી એમને કોરોના થશે. એવા લોકોને રસીની અસરકારકતા પર કદાચ શંકા હશે. આરોગ્ય વિભાગ સતત જણાવતું રહ્યું છે કે 60 વર્ષ કે તેથી વધુની ઉંમરના લોકોને કોરોના થવાનું જોખમ સૌથી વધારે છે તેથી તેઓ ત્રીજી લહેર આવે એ પહેલાં રસી લઈ લે એ જરૂરી છે. અતિરિક્ત મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ શહેરના પ્રત્યેક વોર્ડના મેડિકલ ઓફિસરને આદેશ આપ્યો છે કે તેઓ એવા વરિષ્ઠ નાગરિકોને શોધી કાઢે જેમણે રસીનો હજી સુધી એકેય ડોઝ લીધો નથી અને રસી ન લેવાનું એમની પાસેથી કારણ પણ જાણી લો.