મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું છે, મારી શિવસેના પાર્ટી હિન્દુત્વના મુદ્દાને છોડવાની નથી. અમે હિન્દુ વિચારધારાને છોડવાના નથી, અમે એની સાથે જ છીએ.
ઠાકરેએ કહ્યું છે કે અમે ભલે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જેવા બિનસાંપ્રદાયિક (સેક્યૂલર) પક્ષો સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે તે છતાં અમે હિન્દુ વિચારધારાથી દૂર જવાના નથી.
ઠાકરેએ આજે રાજ્ય વિધાનસભામાં આમ કહ્યું હતું. એમણે કહ્યું કે, શિવસેના અને હિન્દુત્વને એકબીજાથી અલગ કરી શકાય નહીં. હું આજે પણ હિન્દુત્વની વિચારધારા સાથે છું અને એનાથી ક્યારેય દૂર નહીં જાઉં.
આ અઠવાડિયે અગાઉ એક પત્રકાર પરિષદમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવીને શિવસેનાએ હિન્દુત્વના મુદ્દાને પડતો મૂકી દીધો છે. શિવસેનનું હિન્દુત્વ હવે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનાં ચરણોમાં પડી ગયું છે. દરેક જણ એ જોઈ શકે છે.
પરંતુ, આજે આશ્ચર્યજનક રીતે, ઉદ્ધવ ઠાકરેએ વિપક્ષી નેતા ફડણવીસની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મને ફડણવીસ પાસેથી ઘણું શીખવા મળ્યું છે. એ કાયમ મારા મિત્ર રહેશે. છેલ્લા પાંચ વર્ષમાં મેં ક્યારેય એમની આગેવાની હેઠળની સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો નહોતો.