મંગળવારથી આખા મુંબઈમાં એક અઠવાડિયા સુધી 10 ટકા પાણી-કાપ

મુંબઈ – આવતા મંગળવારથી સમગ્ર મહાનગર મુંબઈમાં એક અઠવાડિયા સુધી 10 ટકા પાણી-કાપ લાગુ રહેશે.

મુંબઈ મહાનગરપાલિકા તરફથી જાહેરાત કરવામાં આવી છે કે પડોશના થાણે જિલ્લામાં આવેલા એક વોટર ફિલ્ટરેશન પ્લાન્ટનું સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે.

મુંબઈના રહેવાસીઓને મહાનગરપાલિકા તરફથી અપીલ કરવામાં આવી છે કે પાણી-કાપના સમયગાળા દરમિયાન સૌએ પાણી સંભાળીને વાપરવું અને સંગ્રહ કરી રાખવો.

થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં આવેલા પિસે પાંજરાપોળ વોટર પ્લાન્ટમાં ન્યૂમેટિક ગેટ સિસ્ટમનું 3-9 ડિસેંબરે સમારકામ થવાનું હોવાથી સમગ્ર મુંબઈ શહેરમાં પાણી-કાપ લાગુ કરવામાં આવનાર છે.

પાણી-કાપના સમયગાળા દરમિયાન મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણીપુરવઠામાં લૉ પ્રેશર રહેશે.

આ વર્ષે ખૂબ સારો વરસાદ પડ્યો હતો અને મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા તમામ જળાશયો છલકાઈ ગયા હતા.

મુંબઈને મોડકસાગર, તાનસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, તુલસી, વિહાર અને ભાતસા એમ, સાત જાળશયોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. આ જળાશયોમાંથી મુંબઈમાં દરરોજ 3958 મિલિયન લીટર પાણી સપ્લાય કરવામાં આવે છે. એમાંથી 27 ટકા જેટલા પાણીનું ગળતર થઈ જાય છે અને ચોરી પણ થાય છે. તેથી પાઈપલાઈનોનાં સમારકામ અને યંત્રણામાં સુધારા-વધારા કરવાનું કામ નિયમિત રીતે કરવામાં આવતું હોય છે. એ જ સંદર્ભમાં મહાનગરપાલિકા દ્વારા પિસે વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં સમારકામ હાથ ધરવામાં આવનાર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]