મહારાષ્ટ્રમાં સરકાર રચવા શિવસેનાએ વધુ સમય માગ્યો; રાજ્યપાલે ના પાડી

મુંબઈ – મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં 56 બેઠક જીતવા સાથે બીજા ક્રમે રહેલી શિવસેના પાર્ટીએ રાજ્યમાં પોતાની આગેવાની હેઠળની સંયુક્ત સરકાર રચવાની પોતાની ઈચ્છા આજે દર્શાવી હતી. શિવસેનાનાં નેતાઓ આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે આજે સાંજે દક્ષિણ મુંબઈ સ્થિત રાજભવન ખાતે ગયા હતા અને રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીને મળીને પોતાની પાર્ટીની સ્થિતિની એમને જાણકારી આપી હતી. પોતાની પાર્ટીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીઓનો ટેકો હોવાનું એમણે રાજ્યપાલને જણાવ્યું હતું, પણ બંને પાર્ટીએ હજી સુધી ટેકાનો પત્ર આપ્યો નથી તેથી એમને બે દિવસનો વધારે સમય જોઈએ છે, પરંતુ સાંજે 7.30 વાગ્યાની ડેડલાઈન પૂરી થઈ ગઈ હતી. અને મુદતમાં વધારો કરવાનો રાજ્યપાલે ઈનકાર કરી દીધો હતો.

આદિત્ય ઠાકરેએ બાદમાં પત્રકારોને જણાવ્યું કે રાજ્યપાલે અમારો દાવો સ્વીકારી લીધો છે. એમની શરત મુજબ અમે 24 કલાકમાં એમની પાસે હાજર થઈ ગયા હતા, પરંતુ બે સહયોગી પાર્ટીએ ચર્ચા કરવા માટે વધારે સમય માગ્યો હતો. અમે રાજ્યપાલને જણાવ્યું હતું કે સરકાર રચવાની પ્રક્રિયાને પૂરી કરવા અમારી મુદત બે દિવસ માટે લંબાવી આપો પણ એમણે તે માગણી નકારી કાઢી હતી.

આમ, મહારાષ્ટ્રમાં સરકાર રચવાનું ઘોંચમાં પડ્યું છે.

હવે રાજ્યપાલ કોશિયારી કયું પગલું ભરે છે એ જોવાનું રહ્યું.

288-સભ્યોની વિધાનસભામાં ભાજપ 105 સીટ જીતીને સૌથી મોટો પક્ષ બન્યો છે, પણ એણે સ્વબળે સરકાર રચવાની પોતાની અસમર્થતા દર્શાવી દીધી હતી. એને પગલે રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું અને આજે સાંજે 7.30 વાગ્યા સુધીની મહેતલ આપી હતી.

 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તો ફેક્સ દ્વારા પોતાનો ટેકાનો પત્ર રાજ્યપાલને મોકલી આપ્યો હતો, પરંતુ કોંગ્રેસ તરફથી જે પત્ર સુપરત કરાયો હતો એમાં ‘ટેકો’ શબ્દનો ઉલ્લેખ કરાયો નહોતો એટલે પ્રક્રિયા અટકી પડી હતી.

કોંગ્રેસ તરફથી સુપરત કરાયેલા પત્રમાં એમ જણાવાયું છે કે તે મહારાષ્ટ્રમાં સરકારની રચનાના મુદ્દે સહયોગી પાર્ટી એનસીપી સાથે ચર્ચા કરશે.

કોંગ્રેસ પાર્ટીની કારોબારી સમિતિની બેઠકમાં નેતાઓએ આજે આખો દિવસ મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મામલે ચર્ચા કરી હતી અને બાદમાં પાર્ટીએ એવું નિવેદન બહાર પાડ્યું હતું કે શિવસેનાને ટેકો આપવાના મુદ્દે અમે એનસીપી સાથે વધુ ચર્ચા કરીશું.

તે બેઠકનું અધ્યક્ષપદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ સંભાળ્યું હતું.