મહારાષ્ટ્રઃ શિવસેનાનો સમય ખતમ થતાં એનસીપીને સરકાર રચવાનું આમંત્રણ

મુંબઈ – 105 સીટ જીતીને સૌથી મોટો પક્ષ બનેલા ભાજપે સરકાર રચવાની અસમર્થતા જાહેર કર્યા બાદ અને 56 સીટ જીતનાર બીજા નંબરની શિવસેના પાર્ટીએ સરકાર રચવાના દાવા માટેની મુદત લંબાવી આપવાની કરેલી માગણીને નકારી કાઢ્યા બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીએ 54 બેઠક સાથે ત્રીજા નંબરે રહેતી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે.

એનસીપીના નેતાઓ ગઈ કાલે રાતે રાજ્યપાલને મળી આવ્યા હતા. રાજ્યપાલે NCPને પણ સરકાર રચવાનો દાવો નોંધાવવા 24 કલાકની, એટલે કે આજે રાતે 8.30 વાગ્યા સુધીની મુદત આપી છે.

NCPના નેતાઓએ રાજ્યપાલને કહ્યું કે તેઓ સહયોગી પાર્ટી કોંગ્રેસ સાથે મસલત કરશે અને શિવસેનાના નેતાઓ સાથે પણ ચર્ચા કરશે અને ત્યારબાદ પોતાનો નિર્ણય જણાવશે.

રાજ્યપાલે સરકાર રચવા માટે ગયા રવિવારે શિવસેનાને આમંત્રણ આપ્યું હતું, પણ 24 કલાકની ડેડલાઈનની અંદર શિવસેના પાર્ટી એનસીપી અને કોંગ્રેસના જોડાણ તરફથી બિનશરતી ટેકો મેળવી શકી નહોતી.

શિવસેના રાજ્યમાં પોતાનો મુખ્ય પ્રધાન બનાવવા ઉત્સૂક છે. સહયોગી પાર્ટીઓના વિધાનસભ્યોના નામ, સહી, ફોન નંબર અને એમના મતવિસ્તારના નામ સાથે તમામ વિગતવાળા દસ્તાવેજો રાજ્યપાલને સુપરત કરવા માટે 24 કલાકનો સમય ઓછો હોવાથી એણે વધુ 48 કલાકનો સમય માગ્યો હતો, પણ રાજ્યપાલે તે માગણીને નકારી કાઢી હતી.

ત્યારબાદ રાજ્યપાલ કોશિયારીએ એનસીપીના વિધાનસભા પક્ષના નેતા અજીત પવારને ફોન કરીને મળવા બોલાવ્યા હતા. પવાર એમની પાર્ટીના છગન ભુજબળ, ધનંજય મુંડે સહિતના સાથીઓ ભેગા રાજ્યપાલને મળવા ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]