પવાર-ઠાકરે મુલાકાતઃ હવે કોંગ્રેસના અંતિમ નિર્ણયની રાહ

નવી દિલ્હી: ભાજપ-શિવસેનાનો 30 વર્ષનો સંબંધ તુટી ગયો છે અને સેના હવે એનડીએ માંથી બહાર નિકળી ગઈ છે. શિવસેનાના એકમાત્ર કેન્દ્રીયમંત્રી અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. શિવસેના નેતા સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભાજપે તેનું વચન નથી નિભાવ્યું અને વિપક્ષમાં બેસવાનો નિર્ણય જનતાનું અપમાન કરવા સમાન છે. તો બીજી તરફ દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાન પર કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક પણ પૂર્ણ થઈ ગઈ છે.

રાજ્યમાં સરકાર રચવા માટે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે કોઈ અજ્ઞાત સ્થળે મુલાકાત થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ સૈદ્ધાંતિક રીતે સમર્થન આપવા માટે તૈયાર છે. પણ સરકારમાં રહીને કે બહારથી એ મુદ્દે નિર્ણય લેવાનો બાકી છે. એનસીપી ઈચ્છે છે કે, કોંગ્રેસ સરકારમાં સામેલ થાય.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને હવે સાંજે મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતાઓ સાથેની બેઠકમાં નિર્ણય લેવાઈ શક્યતા છે. તો આ તરફ એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે, હવે બધું કોંગ્રેસ અધ્યક્ષ પર નિર્ભર છે કે શિવસેનાને સમર્થન આપવું કે નહીં.

શિવસેના નેતા સંજય રાઉત દિલ્હીમાં કોંગ્રેસના આલાકમાન સોનિયા ગાંધીને મળી શકે છે. સુત્રોનું કહેવું છે કે, અરવિંદ સાવંત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતાં. ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને એનસીપીના લેખીત સમર્થનની રાહ જોઈ રહ્યા હતાં.

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, જો ભાજપ પીડીપી સાથે હાથ મિલાવી શકે તો શિવસેના, કોંગ્રેસ-એનસીપી કેમ નહીં? શિવસેના NDAમાંથી અલગ થવા પર બિહાર સીએમ નીતિશ કુમારે કહ્યું કે, આનાથી અમારે કોઈ મતલબ નથી. મહારાષ્ટ્ર કોંગ્રેસમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, પાર્ટીની એક ટુકડી સરકારમાં જોડાવાના પક્ષમાં છે તો એક ટુકડી બહારથી સમર્થન આપવાના પક્ષમાં છે.

એનસીપી નેતા નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી છે તેથી જ્યાં સુધી કોંગ્રેસ કોઈ નિર્ણય નહીં અમે આગળ નહીં વધીએ. મલિકે વધુમાં કહ્યું કે, શરદ પવારે અગાઉ જ કહી દીધુ હતું કે, સમગ્ર મામલો કોંગ્રેસ પર જ નિર્ભર છે. કોંગ્રેસની સાંજે મળનારી બેઠક પછી નિર્ણય થશે.

હાલનો ઘટનાક્રમ જોતા એવું લાગી રહ્યું છે કે, એનસીપી એકલી શિવસેનાને સમર્થન આપવાનું જોખન નથી લેવા માગતી કારણ કે, ભાજપ લોકો વચ્ચે એવુ જ કહેશે કે, કેવી રીતે સત્તા માટે ત્રણેય પાર્ટીઓ એક થઈ ગઈ. એટલા માટે એનસીપી વારંવાર બોલ કોંગ્રેસના પાલામાં નાંખી રહી છે.

જો કે મળતા અહેવાલો અનુસાર શરદ પવાર અને ઉધ્ધવ ઠાકરે વચ્ચેની મુલાકાતમાં શિવસેના-એનસીપીની સરકારમાં ઉધ્ધવ ઠાકરે મુખ્યમંત્રી અને અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બને એવી ફોર્મ્યુલા પર સહમતિ સધાઇ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]