મુંબઈ – મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયાને દસ દિવસ વીતવા આવ્યા છે તે છતાં હજી સરકાર રચાઈ નથી. આનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં તેના ભાગીદાર પક્ષ શિવસેના સાથે મુખ્ય પ્રધાન પદના મામલે ઝઘડો થયો છે. શિવસેનાએ આજે એવો દાવો કર્યો છે કે રાજ્યમાં સરકાર રચવા માટે એની પાસે પૂરતા વિધાનસભ્યોનો ટેકો છે.
શિવસેનાનાં નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે એમની પાર્ટીને 170 વિધાનસભ્યોનો ટેકો છે અને આંકડો વધીને 175 ઉપર પહોંચી શકે છે.
મહારાષ્ટ્રની ચૂંટણીમાં 56 બેઠક જીતનાર શિવસેનાની માગણી છે કે એનો ભાગીદાર પક્ષ ભાજપ સત્તાની વહેંચણી માટે બંને વચ્ચે નક્કી કરાયેલી 50-50ની ફોર્મ્યુલાનો અમલ કરે. મતલબ કે અઢી વર્ષ સુધી મુખ્ય પ્રધાન પદ ભાજપ રાખે અને અઢી વર્ષ શિવસેના. પરંતુ, ભાજપના નેતા અને ગત્ સરકારના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શિવસેનાની માગણી સામે ઝૂકી જવા તૈયાર નથી. ભાજપે પણ પુનરોચ્ચાર કર્યો છે કે ફડણવીસ જ ફરી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનશે અને પાંચ વર્ષની આખી મુદત માટે એ જ મુખ્ય પ્રધાન રહેશે.
ભાજપે ધમકી આપી છે કે 8 નવેંબર સુધીમાં બંને પક્ષ વચ્ચે કોઈ સમાધાન નહીં થાય તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવશે. વર્તમાન વિધાનસભાની મુદત 8 નવેંબરે પૂરી થાય છે.
દરમિયાન, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાન શરદ પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે તે લોકોનાં ચુકાદાનો આદર કરે છે અને પોતે વિરોધપક્ષમાં બેસવા તૈયાર છે.
તે છતાં એનસીપીના ભાગીદાર કોંગ્રેસનું કહેવું છે કે તે રાજ્યમાં સરકાર બનાવવા માટે શિવસેના સાથે ભાગીદારી કરવા મંત્રણા કરવા તૈયાર છે.
એનસીપીના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અજીત પવારે કહ્યું છે કે એમને સંજય રાઉત તરફથી એક મેસેજ મળ્યો છે. હું એક મીટિંગમાં હતો એટલે જવાબ આપી શક્યો નહોતો. ચૂંટણી બાદ આ પહેલી જ વાર રાઉતે મારો સંપર્ક કર્યો હતો. હું એમને ફોન કરીશ.