મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં જ ભાજપની સરકાર રચાશેઃ દેવેન્દ્ર ફડણવીસનો આશાવાદ

નવી દિલ્હી/મુંબઈ – મહારાષ્ટ્રમાં સરકારની રચનાના મામલે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે ગત્ સરકારના મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે રાષ્ટ્રીય પાટનગરમાં આવીને પક્ષપ્રમુખ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.

શાહ સાથેની મીટિંગ બાદ ફડણવીસ પત્રકારોને મળ્યા હતા. ત્યારે એમને સવાલ કરાયો હતો કે મહારાષ્ટ્રમાં સરકારની રચના ક્યારે કરવામાં આવશે? એના જવાબમાં ફડણવીસે કહ્યું કે ઘણા લોકો કંઈ પણ બોલે છે, પણ મારે ભાજપ વતીકોઈ કમેન્ટ કરવી નથી. રાજ્યમાં નવી સરકારની રચના ટૂંક સમયમાં જ કરવામાં આવશે. સરકાર બનાવી શકવાનો મને વિશ્વાસ છે.

મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે આર્થિક નુકસાન પામેલા કિસાનો માટે કેન્દ્ર સરકાર તરફથી વધારે આર્થિક સહાયતા મેળવવા માટે ફડણવીસ દિલ્હી આવ્યા છે.

રવિવારે, ફડણવીસે કહ્યું હતું કે રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં વરસાદની આફતને કારણે માઠી અસર પામેલા કિસાનોને રાહત પૂરી પાડવા માટે રૂ. 10 હજાર કરોડનું ભંડોળ મંજૂરી કરી દીધું છે. રાજ્ય સરકાર કિસાનોની પડખે જ છે.

ફડણવીસે અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેઓ વીમા કંપનીઓ તથા અસરગ્રસ્ત કિસાનો વચ્ચે મધ્યસ્થ બને, જેથી કિસાનોને વહેલી તકે તથા મહત્તમ આર્થિક સહાયતા મળે. એક પણ કિસાન સહાયતાવિહોણો ન રહે એની તકેદારી લેવા પણ ફડણવીસે અધિકારીઓને કહ્યું છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ માગણી કરી છે કે રાજ્ય સરકાર કિસાનોને મદદરૂપ થવા માટે હેક્ટર દીઠ રૂ. 25 હજાર આપે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ અને શિવસેના આમ તો ભાગીદાર છે, પરંતુ મહારાષ્ટ્રમાં આ વખતની ચૂંટણીમાં સત્તાની વહેંચણીના મામલે બંને વચ્ચે વિખવાદ ઊભો થયો છે. શિવસેનાની માગણી છે કે ભાજપ ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યુલાને લાગુ કરે, મતલબ કે મુખ્ય પ્રધાન પદની અઢી-અઢી વર્ષ માટે વહેંચણી કરે. અઢી વર્ષ માટે ભાજપના મુખ્ય પ્રધાન રહે અને અઢી વર્ષ માટે શિવસેનાનાં. પરંતુ ભાજપને તે મંજૂર નથી. એને કારણે રાજ્યમાં સરકારની રચનામાં વિલંબ ઊભો થયો છે.