સરિતા જોશી, જવાહર બક્ષી, કૌશિક મહેતાને ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’

મુંબઈ – ગુજરાતી પત્રકાર કૌશિક મહેતા, કવિ જવાહર બક્ષી અને ગુજરાતી રંગભૂમિનાં જાણીતાં અભિનેત્રી સરિતા જોશીની વર્ષ 2019 માટેના પ્રતિષ્ઠિત ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’ માટે પસંદગી કરવામાં આવી છે.

(ડાબેથી જમણે) સરિતા જોશી, જવાહર બક્ષી, કૌશિક મહેતા

‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’ની સ્થાપના જન્મભૂમિ ગ્રુપનાં અખબારોનાં તંત્રી, કવિ, નવલકથાકાર અને નિબંધકાર સ્વ. હરીન્દ્ર દવેની સ્મૃતિમાં કરવામાં આવી છે અને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા તે એનાયત કરવામાં આવશે.

વર્ષ ૨૦૦૫માં ઉક્ત ટ્રસ્ટ તરફથી ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’ની શરૂઆત કરવામાં આવી હતી.

સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં અસાધારણ પ્રદાન કરનાર વરિષ્ઠ તથા નવોદિત પ્રતિભાઓને આ પારિતોષિકથી સન્માનવા આવે છે.

સરિતા જોશીને શ્રેષ્ઠ રંગકર્મી તરીકે આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. બધાં જ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોમાં એમનું અનન્ય યોગદાન રહ્યું છે.

ગુજરાતી ગઝલને શુદ્ધ ગુજરાતી ગઝલ બનાવનાર ગઝલકાર તરીકે કવિ જવાહર બક્ષી ક્ષેત્રના અગ્રગણ્ય બન્યા છે. એમણે સતત 50 વર્ષોથી ગઝલ સાધના-આરાધનામાં રમમાણ રહીને પરંપરા અને પ્રયોગશીલતા, બંનેમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે.

ચારેક દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત કૌશીક મહેતા આઠ વર્ષથી જન્મભૂમિ ગ્રુપના રાજકોટથી પ્રગટ તથા દૈનિક ફૂલછાબના તંત્રી છે. એમણે વિવિધ વિષયો પર 20 પુસ્તકો પણ લખ્યા છે. એમને શ્રેષ્ઠ પત્રકારત્વ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે.