શિવસેનાએ 54મો સ્થાપનાદિવસ જરૂરિયાતમંદોને મદદ કરીને ઉજવ્યો

મુંબઈઃ બાળાસાહેબ ઠાકરેએ 1966માં 19 જૂને શિવસેના પક્ષની સ્થાપના કરી હતી. માત્ર મુંબઈ, મહારાષ્ટ્રમાં જ નહીં, પણ દેશભરમાં આ પાર્ટીએ આગવી રીતે પોતાનો સિક્કો જમાવ્યો છે, પ્રભાવ ઊભો કર્યો છે. આજે સંસ્થાપક પ્રમુખ બાલ ઠાકરે હયાત નથી, પરંતુ એમના પુત્ર ઉદ્ધવ ઠાકરે પક્ષનું નેતૃત્ત્વ સંભાળી રહ્યા છે.

આજે પક્ષનો 54મો સ્થાપનાદિવસ છે, પરંતુ કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાને લીધે અને ચીન સરહદે હિંસક અથડામણમાં ભારતના જવાનો શહીદ થયા એના દુઃખને કારણે શિવસેનાએ તેના સ્થાપનાદિવસની ઉજવણી કરવાનું રદ કર્યું છે. એને બદલે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

રાજ્યમાં હાલ યોગાનુયોગ શિવસેના પ્રમુખ જ મુખ્યપ્રધાન પદે છે. 25 વર્ષ પછી શિવસેના પક્ષને મુખ્ય પ્રધાન પદ મળ્યું છે. પરંતુ કોરોના બીમારીને કારણે આનંદની ઉજવણી કરવાને બદલે બીમારીને રોકવા માટેના પ્રયત્નો કરવાનો પક્ષપ્રમુખે શિવસૈનિકોને આદેશ આપ્યો છે.

આમ, દર વર્ષની જેમ આ વર્ષે શિવસેના સ્થાપના દિવસનો પ્રસંગ સામુહિક રીતે ઉજવવામાં આવ્યો નથી.

શિવસેના પક્ષની શાખાઓમાં કોરોના દર્દીઓની તપાસણી કરવાનું આજે સવારથી જ શરૂ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવી રહી છે.

આજે પક્ષ સ્થાપના દિવસે પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પક્ષના નેતાઓ, ઉપનેતાઓ, સંસદસભ્યો, વિધાનસભ્યો, સંપર્કપ્રમુખો, જિલ્લાપ્રમુખો, વિભાગપ્રમુખો અને પદાધિકારીઓ સાથે ઓનલાઈન સંપર્ક સાધ્યો હતો.

મહારાષ્ટ્ર રાજ્યમાં મરાઠી નાગરિકોને ન્યાય અને હક મળે એ માટે બાલ ઠાકરેએ 1966ની 19 જૂને શિવસેના પાર્ટીની સ્થાપના કરી હતી. છેલ્લા 54 વર્ષમાં આ પાર્ટીએ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં પોતાનો દબદબો નિર્માણ કર્યો છે. 1995માં શિવસેના-ભાજપ યુતિની સરકાર રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જીતીને સત્તા પર આવી હતી.

હાલ રાજ્યમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ, એમ 3 પક્ષોની સંયુક્ત સરકાર છે. આ ગઠબંધનને મહાવિકાસ આઘાડી નામ આપવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન છે અને એનસીપીના અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન છે. અજિત પવારે શિવસેનાને સ્થાપનાદિન નિમિત્તે અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કર્યા છે અને કહ્યું કે મહારાષ્ટ્રના રાજકારણમાં એક પ્રમુખ પક્ષ આજે મહાવિકાસ આઘાડીમાં અમારી સાથે છે એનો અમને આનંદ છે. શિવસેના સાથે કામ કરવાનો અમને સુખદ અનુભવ થયો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કુશળ નેતૃત્ત્વમાં શિવસેનના ભવિષ્યમાં વધારે સફળતા મેળવે એવો મને વિશ્વાસ છે. સ્થાપનાદિન નિમિત્તે તમામ શિવસૈનિકોને મારી શુભેચ્છા છે.

મહાન ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને શિવસેના પાર્ટીને સ્થાપના દિવસ નિમિત્તે અભિનંદન આપ્યા છે.