મુંબઈઃ અહીંના ઘાટકોપર (પૂર્વ) ઉપનગરમાં બનેલા એક બનાવમાં, એક સગીર વયના છોકરા દ્વારા ડ્રાઈવ કરાતી SUV કારે કચડી નાખતા ઘાટકોપર (પૂર્વ)ના જ રહેવાસી અને 29 વર્ષીય એક સેલ્સમેનનું કરૂણ રીતે મૃત્યુ થયું છે. ઘટના ગઈ 14 ફેબ્રુઆરીએ બપોરે 3.30 વાગ્યે બની હતી. મૃતકનું નામ છે આસીફ શેખ. એ તેના સ્કૂટર પર એના કામ પર જતો હતો ત્યારે લક્ષ્મી નગર સિગ્નલ પાસે પાછળથી કારે એને ટક્કર મારી હતી. સ્કૂટર અને શેખ કારના પૈડા નીચે કચડાઈ ગયા હતા. કાર મૃતકને 200 મીટર સુધી ઢસડી ગઈ હતી. કાર ડ્રાઈવર એને તબીબી મદદ કરાવ્યા વિના ભાગી ગયો હતો. લોકો તરત જ ભેગા થઈ ગયા હતા અને શેખને મ્યુનિસિપલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરોએ એને મૃત લાવેલો ઘોષિત કર્યો હતો.
એક રાહદારીએ પોતાના મોબાઈલ પરથી હિટ-એન્ડ-રન ઘટનાનો વિડિયો ઉતારી સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો. ટ્વિટર પર તેણે મુંબઈ પોલીસને ટેગ કરી હતી. વિડિયો તરત જ વાઈરલ થયો હતો. પોલીસે તપાસ કરીને શોધી કાઢ્યું હતું કે કાર ડોંબિવલીનો 17 વર્ષનો રહેવાસી છોકરો ચલાવતો હતો. અકસ્માત વખતે કારમાં તે એકલો જ હતો. પોલીસે તરત જ એની અને તેના પિતા મહેશ કેનેની ધરપકડ કરી હતી. લાપરવાહીને કારણે મૃત્યુ નિપજાવવા, બેફામ રીતે વાહન હંકારવાનો ડ્રાઈવર પર ગુનો નોંધ્યો છે.