બપ્પી લાહિરી અનંતમાં-વિલીન; પુત્ર બપ્પાએ અગ્નિદાહ આપ્યો

મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા સંગીતકાર અને ગાયક બપ્પી લાહિરીના આજે સવારે અત્રેના વિલે પારલે (વેસ્ટ) ઉપનગરની સ્મશાનભૂમિ ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. એમના પુત્ર બપ્પાએ અગ્નિદાહ આપ્યો હતો. બપ્પી લાહિરીના પરિવારમાં એમના પત્ની ચિત્રાની, પુત્ર બપ્પા અને પુત્રી રીમા છે. રીમા પણ ગાયક-સંગીતકાર છે.

પશ્ચિમ બંગાળમાં જન્મેલા અને મૂળ નામ આલોકેશ ધરાવનાર બપ્પી લાહિરીની અંતિમ યાત્રામાં સેંકડો લોકો જોડાયા હતા. ‘ડિસ્કો કિંગ’ તરીકે પ્રખ્યાત બપ્પી લાહિરી (69)નું મંગળવારે રાતે 11.45 વાગ્યે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું હતું. પુત્ર બપ્પા લોસ એન્જેલીસમાં હતા, એ આવી પહોંચ્યા બાદ બપ્પી લાહિરીની અંતિમવિધિ કરવામાં આવી હતી.

લાહિરીના પાર્થિવ શરીરને જુહૂ વિસ્તારસ્થિત એમના બંગલામાં દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ત્યાંથી ફૂલોથી શણગારેલી ટ્રકમાં મૂકીને સરઘસાકારે એને સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવ્યો હતો.