મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો રાજકીય સ્તરનો અણબનાવ જાણીતો છે. એને કારણે કોશ્યારીને આજે સવારે મુંબઈ એરપોર્ટ પર બે કલાક સુધી રાહ જોવી પડી હતી. એમને ઉત્તરાખંડ જવું હતું, પરંતુ તેઓ મહારાષ્ટ્ર સરકારના વિમાનનો ઉપયોગ કરી શક્યા નહોતા. વિશેષ વિમાનનો ઉપયોગ કરવાની પરવાનગી એમને છેલ્લી ઘડી સુધી આપવામાં આવી નહોતી. પરિણામે એમને કમર્શિયલ ફ્લાઈટ દ્વારા જવું પડ્યું હતું.
ઉત્તરાખંડ કોશ્યારીનું વતન રાજ્ય છે. એમને આજે સવારે 10 વાગ્યે ત્યાં જવું હતું, પરંતુ વિશેષ વિમાનમાં બેસવાની પરવાનગી એમને છેલ્લી ઘડી સુધી પણ આપવામાં આવી નહોતી. રાજ્ય સરકારનું વિમાન કોઈક અન્ય કામસર અગાઉથી બુક કરી દેવામાં આવ્યું હતું એવું કહેવાય છે. સામાન્ય રીતે, રાજ્યપાલ જેવી વ્યક્તિઓને પરવાનગીની રાહ જોવાની હોતી નથી. તેથી કોશ્યારી સવારે વિશેષ વિમાનમાં જઈને બેસી ગયા હતા. ત્યારે પાઈલટે એમને કહ્યું હતું કે આ માટેની પરવાનગી હજી મળી નથી. આખરે, રાજ્યપાલના કાર્યાલયે ત્યારબાદ એક ખાનગી વિમાનમાં સીટ બુક કરાવી હતી અને કોશ્યારી બપોરે 12.15 વાગ્યે દેહરાદૂન જવા રવાના થયા હતા.
