ભાડાવધારાની માગણી સાથે મુંબઈમાં ઓલા, ઉબેર ડ્રાઈવરો બેમુદત હડતાળ પર

0
1472

મુંબઈ – રાઈડ-હેઈલિંગ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ઉબર અને એની સ્થાનિક હરીફ કંપની ઓલાના ડ્રાઈવરો આજે મુંબઈ તથા દિલ્હીમાં હડતાળ પર ઉતરી ગયા છે.

ઈંધણના ભાવ વધી ગયા હોવાથી ટેક્સીભાડામાં વધારો કરવાની એમની મુખ્ય માગણી છે. એમની દલીલ છે કે ઈંધણના ભાવ વધી ગયા હોવાથી એમની આવક ઘટી ગઈ છે.

ડ્રાઈવરોનું કહેવું છે કે આ વર્ષના આરંભથી ઈંધણના ભાવમાં 20 ટકા વધારો થયો છે, જ્યારે ટેક્સીભાડાં વધારાયા નથી. પરિણામે એમને વધારે કલાકો સુધી કામ કરવું પડે છે અને તે છતાં તેઓ એમને થતા ખર્ચને પહોંચી વળી શકતા નથી.

મુંબઈમાં ટેક્સી ડ્રાઈવરોના યુનિયન – મહારાષ્ટ્ર રાજ્ય રાષ્ટ્રીય કામગાર સંઘના સચિવ સુનીલ બોરકરનું કહેવું છે કે ડ્રાઈવરોને પડતી તકલીફને કંપનીઓ સમજતી નથી. જ્યાં સુધી ભાડા વધારવાની માગણીનો સ્વીકાર કરવામાં ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની કેટલાક ડ્રાઈવરો તરફથી માગણી થઈ હતી.

ઉબેરે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમારા રાઈડર અને ડ્રાઈવર પાર્ટનર સમુદાયનાં લોકોએ સેવા ખોરવી નાખી હોવાથી અમે ખેદ વ્યક્ત કરીએ છીએ. ડ્રાઈવરોને સ્થિર આવક મળી રહે જોવા અમે પ્રતિબદ્ધ છીએ.

ઓલાએ હજી સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

મુંબઈમાં ઉબેર અને ઓલાની કાર બુક કરાવ્યા બાદ પ્રવાસીઓને વધારે સમય સુધી રાહ જોવી પડતાં સૌ પરેશાન થઈ ગયા હતા.

મુંબઈમાં અનેક ડ્રાઈવરોએ હાથમાં પાટિયા સાથે ઉબેરની ઓફિસની બહાર દેખાવો કર્યા હતા.