હવે લાલ મરચાં રડાવશે; ભાવ આસમાને જશે

મુંબઈઃ ખાદ્યપદાર્થો, શાકભાજી, ફળ વગેરેના ઊંચા ભાવને કારણે કારમી બનેલી મોંઘવારીથી જનતા ત્રાસી ગઈ છે ત્યારે હવે એમને લાલ મરચાં પણ ચચરાવશે, આંખોમાં પાણી લાવવાના છે. બજારોમાં લાલ મરચાંની આવક ઘટી ગઈ છે. આગામી દિવસોમાં બજારમાં લાલ મરચાંનો ભાવ આંચકો આપે એવી શક્યતા છે. ગયા વર્ષની સરખામણીમાં બજારોમાં લાલ મરચાંની આવક ખૂબ ઘટી ગઈ છે. અમુક વેપારીઓનું કહેવું છે કે લાલ મરચાંની આવક ઘટતાં ભાવ વધ્યો છે પરિણામે ગ્રાહકો ઘટી ગયા છે.

મુંબઈમાં જુદી જુદી વેરાયટીના લાલ મરચાં 250-430 રૂપિયે કિલો મળે છે. તે એકાદ મહિનામાં આ ભાવ વધીને 600-700 થવાની સંભાવના છે એવું અમુક વેપારીઓનું કહેવું છે. લાલ મરચાંની આવક કેમ ઘટી ગઈ?  એ વિશે વેપારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે મરચાંની ખેતી પર માઠી અસર પડી છે. બજારોમાં લીલા મરચાંની આવક પણ ઘટી ગઈ છે. બજારોમાં બે મહિના સુધી આ જ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે.