થર્ટી-ફર્સ્ટ નાઈટઃ 35,000 પોલીસોની કડક નજર રહેશે

મુંબઈઃ આ વર્ષે કોરોના વાઈરસ રોગચાળાને કારણે તમામ ધાર્મિક ઉત્સવોની ઉજવણી પર નિયંત્રણો આવ્યા છે. હવે નવા વર્ષની ઉજવણી કરવા થર્ટી ફર્સ્ટ નાઈટે પણ લોકો રસ્તાઓ પર ટોળામાં ઉતરી ન પડે તથા અન્ય સ્થળોએ પણ ભેગા ન થાય એટલા માટે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાએ કડક નિયંત્રણો લાગુ કરી દીધા છે. મુંબઈમાં રાત્રી-કર્ફ્યૂ લાગુ કરાયો છે અને રાતે 11 વાગ્યા પછી અને સવારે 6 વાગ્યા સુધી કોઈ બીયર બાર, રેસ્ટોરન્ટ અને પબ્સને ચાલુ રાખવાની પરવાનગી નથી તે છતાં લોકો ખોટું સાહસ કરીને રસ્તાઓ પર ઉતરી ન પડે એટલા માટે કડક બંદોબસ્ત રાખવામાં આવશે.

આખા મુંબઈમાં 35,000 પોલીસોને તૈનાત કરવામાં આવશે અને રસ્તા પર પાંચ કે તેથી વધુ લોકો ભેગા ન થાય એની તકેદારી રાખશે. આ વખતે 31 ડિસેમ્બરની રાતે મુંબઈમાં કોઈ બોટ પાર્ટી કે ટેરેસ પાર્ટી યોજવાની પણ મંજૂરી અપાશે નહીં. જાહેર સ્થળોએ લોકોની અવરજવર પર નજર રાખવા માટે મુંબઈ પોલીસ ડ્રોનની મદદ લેશે. દરિયાકિનારાઓ પર પોલીસોને સાદા વેશમાં ગોઠવવામાં આવશે. તમામ પોલીસ જવાનોને મોઢા પર માસ્ક ફરજિયાત પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસજવાનોના વીક્લી ઓફ અને રજા રદ કરી દેવામાં આવ્યા છે. આજે રાતથી જ એ કડક બંદોબસ્તનો આરંભ કરી દેવામાં આવશે. મુંબઈ પોલીસની સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો પણ પહેરો ભરશે. જેઓ દરિયાકિનારાઓ, બાગબગીચા, પ્રોમિનેડ્સ, બાંધકામ હેઠળના મકાનોની ટેરેસ વગેરે જેવા સ્થળોએ ચાંપતી દેખરેખ રાખશે કે કોઈ ત્યાં બેસીને પાર્ટી તો કરતું નથીને.