મુંબઈઃ ભારતીય નૌકાદળ દક્ષિણ મુંબઈમાં આવેલા કોલાબા વિસ્તારસ્થિત નેવી નગર ખાતે તેના પરિણીત નૌસૈનિકો માટે બે બહુમાળી ટાવર બંધાવશે. પ્રત્યેક ટાવર 32 માળના હશે.
પશ્ચિમી નૌકા કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ આર. હરિકુમારે ‘હરિત ભવન યોજના’નું ભૂમિપૂજન સંપન્ન કર્યું હતું. આ ટ્વિન ટાવર બંધાઈ જશે તે પછી પરિણીત નૌસૈનિકો માટે આવાસની તંગીની સમસ્યા ઘણે અંશે ઉકેલાઈ જશે. સાથોસાથ, નૌસૈનિકો અને એમના પરિવારજનોને વધારે સારું જીવનધોરણ પણ પ્રદાન થશે. આ યોજના અંતર્ગત 464 પરિણીત નૌસૈનિકોને સંબંધિત સુવિધાસંપન્ન ક્વાર્ટર્સ પૂરા પાડવામાં આવશે.