ગણેશોત્સવમાં કોરોના-પ્રતિરોધક નિયમોના કડક-અમલ માટે પોલીસ સજ્જ

મુંબઈઃ દસ દિવસ ચાલનારા ગણેશોત્સવનો આરંભ 10મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી તહેવારથી થશે. કોરોનાવાઈરસ ચેપી રોગચાળાની ત્રીજી લહેર પણ આવવાની સંભાવના છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ પોલીસ એકદમ સતર્ક બની ગયા છે. ગણેશોત્સવ વખતે શહેરના સાર્વજનિક મંડળો તથા અન્ય અમુક ઠેકાણે ભક્તોની ઘણી ભીડ જામવાની શક્યતા છે. તેથી પોલીસતંત્ર ગણેશોત્સવના દિવસો દરમિયાન કોરોના-વિરોધી નિયમોનો કડક રીતે અમલ કરાવવા સજ્જ બન્યું છે. આવતા ગુરુવારથી નિયમોની કડક અમલબજાવણી શરૂ કરવાનો પોલીસતંત્રને આદેશ આપવામાં આવ્યો છે.

રસ્તાઓ પર અને સાર્વજનિક સ્થળોએ માસ્ક ન પહેરવાની ભૂલનું લોકોએ પરિણામ ભોગવવું પડશે. પોલીસો એવી વ્યક્તિઓ પાસેથી દંડની રકમ વસૂલ કરશે. ગણેશોત્સવ દરમિયાન મુંબઈમાં પોલીસોની કુલ 13 વિશેષ ટૂકડીઓ તૈનાત કરવામાં આવશે. દરેક ટૂકડીમાં એક વરિષ્ઠ પોલીસ નિરીક્ષક, એક સહાયક પોલીસ ઈન્સ્પેક્ટર, બે પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને 11 કોન્સ્ટેબલનો સમાવેશ કરાશે. શહેરના 13 ઝોન પાડવામાં આવ્યા છે અને દરેક ઝોનમાં એક-એક ટૂકડી તૈનાત કરાશે.