મુંબઈઃ અમેરિકાનું ઘેલું એક યા બીજા કારણસર વિદ્યાર્થીઓ સહિત સંપન્ન-સમૃદ્ધ પ્રજામાં રહ્યું જ છે. આજે પણ અમેરિકામાં ભણવા યા ફરવા જવા માટેની સંખ્યા મોટી છે, જયારે કે બીજી બાજુ અમેરિકામાં વિઝાના નીતિ-નિયમો સતત બદલાતા રહે છે અથવા ભારતીયોને કયાંક અધ્ધર અથવા અનિશ્રિતતામાં રાખે છે. આ વરસે અમેરિકામાં ચૂંટણી યોજાવાની હોવાથી પ્રેસિડન્ટ કોણ બને છે અને તેનો વિઝા પોલિસી તેમ જ ભારતીયો પ્રત્યે કેવો અભિગમ રહે છે એ પણ હાલ તો સવાલ છે. આ ઉપરાંત અમેરિકામાં આર્થિક સંજોગો પણ એકંદરે નબળાં પડ્યા છે અને જોબ સમસ્યા પણ પ્રવર્તી રહી છે. આ સંજોગોમાં અમેરિકામાં રહેતા ભારતીયોનું ભાવિ શું જણાય છે અથવા તેમાં કેવાં પરિવર્તન આવી શકે એ વિષય પર કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત ગુજરાતી ભાષા ભવન દ્વારા ૨૦ જાન્યુઆરીએ શનિવારની સાંજે પાંચ વાગ્યે વરસોથી અમેરિકા રહેતા તેમ જ અમેરિકાના સમાજથી સુપેરે વાકેફ એવા સુવિખ્યાત ફાઈનાન્સિયલ એકસપર્ટ, પ્રોફેસર, લેખક નટવર ગાંધીના વક્તવ્યનું આયોજન કરાયું છે. નટવર ગાંધી વરસોથી અમેરિકામાં સ્થાયી છે તેમ જ અમેરિકાની નામાંકિત યુનિવર્સિટીઝમાં તેમણે શિક્ષણ ક્ષેત્રે પ્રોફેસર તરીકે પણ મહત્વનું પ્રદાન કર્યુ છે. તેમણે અમેરિકન કોંગ્રેસની વોચડોગ એજન્સી જનરલ એકાઉન્ટિંગ ઓફિસમાં ટેકસ પોલિસી અને એડમિનિસ્ટ્રેશન ઓફિસર તરીકે પણ કામ કર્યુ છે. યુએસએમાં એમબીએ અને પીએચડીની ડિગ્રી હાંસલ કરનાર ગાંધીએ ૨૦૦૦થી ૨૦૧૪ના વરસ સુધી ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. નટવર ગાંધી સાથે તેમના જીવનસંગિની કવિયત્રી પન્ના નાયક પણ આ પ્રસંગે હાજર રહેશે અને પોતાની બે કે ત્રણ રચના રજૂ કરશે.
આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડો. દિનકર જોશી પ્રાસંગિક વિચારો વ્યકત કરશે. કાર્યક્રમનું સ્થળઃ જયંતિલાલ પટેલ લો કોલેજ, બીજા માળે, કાંદિવલી રિક્રિએશન કલબની નજીક, ઓફ મથુરાદાસ રોડ, કાંદિવલી-વેસ્ટ
સમયઃ સાંજે પાંચ થી ૬.૩૦. કેઈએસ અને ગુજરાતી ભાષા ભવન તરફથી આ કાર્યક્રમમાં હાજર રહેવા રસિકજનોને નિમંત્રણ છે.