ભારે વરસાદે મુંબઈના જળાશયોમાં પાણીનો જથ્થો બમણો કરી દીધો

મુંબઈ – ગયા શુક્રવારથી પાંચ દિવસ સુધી લગાતાર પડેલા ભારે વરસાદે મુંબઈ શહેર અને ઉપનગરોમાં જનજીવન ખોરવી નાખ્યું હતું અને દીવાલ તૂટી પડવા જેવી દુર્ઘટનાઓમાં 30 જેટલા લોકોના જાન જવાના દુખદ સમાચાર મળ્યા. બીજી બાજુ, સારા સમાચાર એ છે કે આ વરસાદે મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાતેય જળાશયોમાં જથ્થાને બમણો કરી દીધો છે.

આ વખતે ચોમાસું વીસ દિવસ લંબાતા મુંબઈના જળાશયોમાં પાણીનું સ્તર તળિયે ગયું હતું અને પરિસ્થિતિ ચિંતાજનક બની હતી, પરંતુ પાંચ-પાંચ દિવસ સુધી ધોધમાર વરસાદ વરસતાં આ જળાશયોમાં પાણીની ઘણી સારી આવક થઈ છે. જેનાથી મુંબઈવાસીઓને મોટી રાહત થશે. મહાનગરપાલિકાએ મુંબઈભરમાં ગયા વર્ષના નવેંબરથી 10 ટકા પાણી કાપ લાગુ કર્યો હતો.

પવઈ તળાવ

મુંબઈના જળાશયોમાં ગઈ 28 જૂને કુલ 71,017 મિલિયન લીટર પાણી હતું, જે આંક બુધવારના રોજ વધીને 1.69 લાખ મિલિયન લીટર થયો હતો, એમ મુંબઈ મહાનગરપાલિકાએ આપેલી માહિતી પરથી જાણવા મળ્યું છે.

અપર વૈતરણા સરોવરને બાદ કરતાં બાકીના જળાશયોમાં પાણીનું સ્તર સતત વધતું રહ્યું હતું. જોકે આ સરોવરો છલકાવાને હજી ઘણી વાર છે. સરોવરો સંપૂર્ણ રીતે ભરાઈ જાય એ માટે 14.47 લાખ મિલિયન લીટર પાણી જોઈએ. મુંબઈને આ સાત જળાશયો પીવાનું પાણી પૂરું પાડે છેઃ અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, ભાત્સા, વિહાર અને તુલસી. મધ્ય રેલવે વિભાગના કાંજુરમાર્ગ સ્ટેશનથી નજીક આવેલા તેમજ કુર્લા, અંધેરી, સાંતાક્રુઝ માર્ગે પણ જ્યાં જવાય છે તે પવઈ તળાવ છલકાઈ ગયું છે, પણ એમાંનું પાણી ઔદ્યોગિક વપરાશ માટે હોય છે.

સરોવરોમાં હાલનો પાણીનો જથ્થો છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે.

સાતેય જળાશયોમાં, સૌથી વધારે ઊંચું જળસ્તર તુલસીનું રહ્યું છે – 66.67 ટકા જ્યારે ભાત્સા માત્ર 5.2 ટકા ભરાયું છે.