રાહુલ હાજર થયા મુંબઈની કોર્ટમાં…

કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપનાર રાહુલ ગાંધી 4 જુલાઈ, ગુરુવારે મુંબઈમાં શિવરી ખાતેની કોર્ટમાં હાજર થયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંસ્થાના એક કાર્યકર્તાએ રાહુલ સામે માનહાનિનો કેસ કર્યો છે. રાહુલે કહ્યું છે કે પોતે નિર્દોષ છે. રાહુલની સાથે મુંબઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મિલિંદ દેવરા પણ હતા. પત્રકાર ગૌરી લંકેશની હત્યાને ભાજપ-આરએસએસ વિચારસરણી સાથે સાંકળતી કમેન્ટ કથિતપણે કરવાનો રાહુલ ગાંધી પર આરોપ છે. આ કેસમાં રાહુલ ગાંધી ઉપરાંત ભારતીય માર્ક્સવાદી પાર્ટીના નેતા સીતારામ યેચુરી સામે પણ ફરિયાદ છે. કોર્ટે બંને સામેની ફરિયાદ વાંચી સંભળાવી હતી અને એમને પૂછ્યું હતું કે તમે તમારો ગુનો કબૂલ કરો છો? બંને નેતાએ ના પાડી હતી. આમ, હવે આ કેસમાં મુકદ્દમો ચાલશે. કોર્ટે રાહુલ ગાંધી અને યેચુરી, બંનેને રૂ. 15,000ની રકમની શ્યોરિટી પર જામીન પર છોડ્યા છે. કોર્ટે એમને મુકદ્દમા વખતે કોર્ટમાં પ્રત્યક્ષ હાજર રહેવામાંથી મુક્તિ આપી છે.