બજેટ ૨૦૧૯ઃ સ્ટાર્ટ-અપ્સ, ઈન્વેસ્ટરો ઝંખે છે વેરામાં રાહત; સંરક્ષણ ફાળવણી વધે એવી ધારણા

નવી દિલ્હી – નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એનડીએ સરકારે વધારે મજબૂત મેજોરિટી સાથે તેની બીજી મુદત પર કામ કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે સ્ટાર્ટ-અપ સેક્ટરને અપેક્ષા છે કે સરકાર પાછલા પાંચ વર્ષના શાસન દરમિયાન ઉદ્યોગસાહસીઓ માટે જે નીતિઓ લાગુ કરી હતી એનું તે અસરકારક રીતે અનુસરણ કરે અને એમાં રહી ગયેલી ડઝન જેટલી અડચણોને દૂર કરે, જેથી ભારત દેશ સ્ટાર્ટ-અપનું પાવરહાઉસ બની શકે.

મોદી-1 સરકારે આ વર્ષની પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય ચૂંટણી વર્ષ હોઈ બે-ત્રણ મહિના માટેની આર્થિક પ્રવૃત્તિઓને સપોર્ટ કરવાનો જ હતો. એ બજેટમાં સ્ટાર્ટ-અપ્સ માટે મસમોટી જાહેરાતો કરવામાં આવી નહોતી. તેથી હવે બધાયની નજર વર્ષ 2019-20ના પૂર્ણ કેન્દ્રીય બજેટ પર છે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આવતીકાલે લોકસભામાં રજૂ કરવાના છે. મોદી સરકાર-2નું આ પહેલું સંપૂર્ણ સ્તરનું બજેટ હશે.

લશ્કર સજ્જતા માટે વધુ ભંડોળની ફાળવણીની ધારણા

સરકાર સંરક્ષણ ક્ષેત્ર માટે નાણાકીય ફાળવણીમાં સામાન્ય વધારો કરે એવી ધારણા છે. આને કારણે લશ્કરના આધુનિકીકરણની યોજના વધુ લંબાશે.

ભારતના હવાઈ દળને સેંકડોની સંખ્યામાં કોમ્બાટ વિમાનો અને હેલિકોપ્ટરોની જરૂર છે. સોવિયેત સંઘના યુગના વિમાનોને હવે બદલવાની જરૂર છે. એવી જ રીતે, નૌકાદળે પણ ડઝન જેટલી સબમરીનો બનાવવાનું નક્કી કર્યું છે. હિંદ મહાસાગરમાં ચીનનું નૌકાદળ તેની હાજરી વિસ્તારી રહ્યું હોવાને કારણે ભારતને તેના નૌકાદળને વિસ્તારવાની જરૂર પડી છે.

ભૂમિદળનો ઘણો ખરો ભાગ પરંપરાગત શત્રુ પાકિસ્તાન સાથેની સરહદ પર તહેનાત કરવામાં આવ્યો છે. ભૂમિદળને પણ સૈનિકો માટે એસોલ્ટ રાઈફલ્સ, આધુનિક બખ્તર તથા સર્વેલન્સ ડ્રોન વિમાનોની જરૂર છે. પરંતુ આ યોજનાઓ વર્ષોથી પાછી ઠેલાતી જાય છે, કારણ કે 14 લાખ જેટલા સૈનિકોનાં પગાર અને પેન્શન ચૂકવવામાં જ સંરક્ષણ ખર્ચનો મોટો હિસ્સો વપરાઈ જાય છે.

વિશ્વમાં ભારતનું સૈન્ય કદની દ્રષ્ટિએ બીજા નંબરે આવે છે. પહેલા નંબરે ચીન છે.