મુંબઈઃ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલના બાન્દ્રા યુનિટના અધિકારીઓએ ડોંગરી વિસ્તારમાંથી 25-વર્ષની એક ગૃહિણીની ધરપકડ કરી છે અને એની પાસેથી એક કિલો 105 ગ્રામ મેફીડ્રોન (એમડી) નશીલી દવા કબજે કરી છે. આ દવાની કિંમત રૂ. 1 કરોડ 10 લાખ થવા જાય છે.
આરોપીનું નામ સનમ સૈયદ છે. તેનો સાગરિત ભાગી છૂટવામાં સફળ થયો છે. ડોંગરી વિસ્તાર નજીક ડ્રગ્સના દાણચોરો ગેરકાયદેસર નશીલી દવાઓના મોટા જથ્થા સાથે આવી રહ્યાં હોવાની પોલીસને બાતમી મળી હતી. તરત જ પોલીસોએ ડોંગરીમાં એક મકાનમાં છટકું ગોઠવ્યું હતું. શકમંદ મહિલા વિશે બાતમીદારોએ આપેલા વર્ણન અનુસાર પોલીસોએ આરોપી મહિલા નજરે પડતાં જ એનો પીછો કર્યો હતો. એને રોકી તેની પૂછપરછ કરતાં એની પાસેથી 60 ગ્રામ મેફીડ્રોન દવા મળી આવી હતી. બાદમાં પોલીસો એને લઈને એનાં ઘેર ગયા હતા જ્યાં બીજા એક કરોડની કિંમતની એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને સનમ સૈયદ પાસેથી રૂ. 8.78 લાખની રોકડ રકમ પણ મળી આવી હતી. પોલીસો હવે સનમનાં સાગરિત તથા એમની ડ્રગ સાંકળ તથા ગ્રાહકોનાં નામો વિશે જાણકારી મેળવી રહ્યાં છે.