મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મફતમાં રક્ત અપાશે

મુંબઈઃ રક્તનો સ્ટોક ઘટી રહ્યો હોવાથી દર્દીઓને પડી રહેલી તકલીફને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે કે સમગ્ર રાજ્યમાં સરકાર-સંચાલિત હોસ્પિટલોમાં 12મી ડિસેમ્બરથી દર્દીઓને મફતમાં લોહી પૂરું પાડવું. યોગાનુયોગ, 12 ડિસેમ્બરે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારનો 80મો જન્મદિવસ છે. મહારાષ્ટ્રમાં ‘મહાવિકાસ આઘાડી’ની સંયુક્ત સરકારમાં શિવસેના, કોંગ્રેસની સાથે એનસીપી પણ ભાગીદાર છે.

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જાણકારી આપી છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં આવતા શનિવાર, 12 ડિસેમ્બરથી 36 જિલ્લા હોસ્પિટલો, 200 સબ-જિલ્લા હોસ્પિટલો, 350 પ્રાદેશિક હોસ્પિટલો, 5,000 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 1,800 સબ-સેન્ટરો સહિત રાજ્ય સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને રક્ત મફતમાં પૂરું પાડવામાં આવશે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ સૂચિત પહેલનો અમલ કરવામાં આવશે. રાજ્ય સરકારી હોસ્પિટલો ઉપરાંત, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પિટલો અને રાજ્યમાં મેડિકલ કોલેજો સાથે સંલગ્ન હોસ્પિટલોમાં પણ રક્ત મફતમાં પૂરું પાડવામાં આવશે.

એનસીપીના વિધાનસભ્ય રાજેશ ટોપેએ ગઈ કાલે એમના પક્ષનાં સાથી અને એનસીપીનાં લોકસભા સદસ્ય સુપ્રિયા સુળેની સાથે રક્તદાન કર્યું હતું. એમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં 344 સક્રિય બ્લડ બેન્ક્સ છે. લોકો રક્તદાન કરવા આગળ આવે એવી અપીલ પણ ટોપેએ કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]