વરસાદ ખેંચાયોઃ મુંબઈમાં 10% પાણીકાપની શક્યતા

મુંબઈઃ જૂન મહિનો પૂરો થવાને આરે આવી ગયો છે અને ચોમાસાની મોસમે મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં જોર પકડવાનું તો બાજુ પર રહ્યું, પરંતુ વરસાદની મોટી કમી ઊભી થઈ છે. અત્યાર સુધી માત્ર છૂટાછવાયા ઝાપટાં જ પડ્યા છે. મુંબઈમાં ચોમાસું સામાન્ય રીતે 10 જૂનથી બેસી જતું હોય છે અને 25 જૂન સુધીમાં તો જોર પકડી લેતું હોય છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ જુદી સર્જાઈ છે. આને પરિણામે મુંબઈ મહાનગરપાલિકા શહેરભરમાં 10 ટકા પાણીકાપ લાગુ કરવા વિશે વિચારે છે. મહાપાલિકા તંત્ર એકાદ-બે દિવસમાં આ વિશે નિર્ણય લેશે.

મુંબઈ શહેર તથા મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)ને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. હાલ માત્ર 9.76 ટકા પાણીનો સ્ટોક જ બચ્યો છે, જે માત્ર 45 દિવસ પાણી પૂરું પાડી શકે એટલો છે. MMR અંતર્ગત મુંબઈ શહેર જિલ્લો, મુંબઈ ઉપનગર જિલ્લો, રાયગડ જિલ્લો (અલીબાગ, પેણ, પનવેલ, ઉરણ અને કર્જત તાલુકાઓના અમુક ભાગ), થાણે જિલ્લો (થાણે, કલ્યાણ, અંબરનાથ, ઉલ્હાસનગર, ભિવંડી તાલુકાઓ) અને પાલઘર જિલ્લો (વસઈ અને પાલઘર તાલુકા) સામેલ છે.