કટોકટીમાં ઉદ્ધવ ઠાકરેને સાથ આપવાનો એનસીપીનો સંકલ્પ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સંયુક્ત સરકારમાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ આજે દ્રઢતાપૂર્વક કહ્યું છે કે તે રાજ્યમાં શાસક જોડાણને બચાવવા માટે તે પૂરું જોર લગાવશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ પક્ષોની બનેલી મહાવિકાસ આઘાડી સરકારના એક ભાગીદાર શિવસેના પક્ષમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળ કેટલાક વિધાનસભ્યોએ કરેલા બળવાને કારણે રાજકીય કટોકટી ઊભી થઈ છે.

એનસીપી પ્રમુખ શરદ પવારે બોલાવેલી બેઠક પૂરી થયા બાદ પક્ષના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘અમારો પક્ષ આ કટોકટીમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના સંયુક્ત જોડાણની પડખે મક્કમપણે ઊભો છે. કટોકટીના અંત સુધી અમે ઉદ્ધવ ઠાકરેની પડખે રહીશું. ગઠબંધન સરકારને બચાવવા માટે અમે બધું જ કરી છૂટશું. મેં આ રાજકીય કટોકટી અંગે ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી છે. મેં ક્યારેય કોઈની સાથે ભેદભાવ કર્યો નથી. બજેટને લગતા ભંડોળમાં ક્યારેય મેં કાપ મૂક્યો નથી.’