સર્વિસ-લિફ્ટ તૂટી પડતાં 6-કામદારનાં મરણ; કોન્ટ્રાક્ટર-સુપરવાઈઝરની ધરપકડ

મુંબઈઃ મધ્ય મુંબઈના વરલી વિસ્તારમાં હનુમાન ગલી મોહલ્લામાં બાંધકામ હેઠળના એક બહુમાળી મકાનની સર્વિસ-લિફ્ટ શનિવારે સાંજે તૂટી પડતાં છ કામદારનાં કરૂણ મરણ નિપજ્યા છે. પોલીસે સલામતી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝરની ધરપકડ કરી છે. મકાનમાં બાંધકામ ચાલુ હતું એ વખતે લિફ્ટ અચાનક નીચે પડી હતી. પાંચ જણના ઘટનાસ્થળે અને એક જણનું બાદમાં હોસ્પિટલમાં મરણ નિપજ્યું હતું. મૃતકોના નામ છેઃ ચિન્મય આનંદ મંડલ (33), ભરત આનંદ મંડલ (30), અનિલકુમાર નંદલાલ યાદવ, અવિનાશ દાસ (35), અભય મિસ્ત્રી યાદવ (32), લક્ષ્મણ મંડલ (35). લિફ્ટમાં વજન વધી જતાં એ તૂટીને નીચે પડી હતી.

કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર પર આરોપ છે કે તેણે કામદારોને હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ જેવા સાધનો પૂરા પાડ્યા નહોતા. આવી બેદરકારી બતાવીને તેમણે કામદારોના જાન જોખમમાં મૂકી દીધા હતા. બંને સામે 304 (2) (સદોષ માનવવધ, હત્યાનો ઈરાદો નહીં) કલમ સહિત ભારતીય ફોજદારી કાયદાની અનેક કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ બેદરકારીમાં અન્ય લોકો પણ સામેલ છે અને તેમની પણ ધરપકડ કરાશે.